(એજન્સી) વોશિંગ્ટન, તા. ૪
દક્ષિણ ચીન સાગરમાં ડ્રેગને મિસાઇલ તહેનાત કરતા અમેરિકાએ ગંભીર પરિણામની ચેતવણી આપી છે. દક્ષિણ ચીન સાગરના વિવાદ પર અમેરિકા અને ચીન વચ્ચે ફરી તનાવ વધી ગયો છે. દક્ષિણ ચીન સાગરમાં ચીનના વધી રહેલા લશ્કરીકરણને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. દક્ષિણ ચીન સાગરમાં ચીન દ્વારા ગુરુવારે એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલો અને ભૂમિથી હવામાં માર કરનારી મિસાઇલ સિસ્ટમની ગોઠવણી કરવામાં આવ્યા બાદ અમેરિકા ભડકી ગયું છે.
અમેરિકાની ગુપ્તચર એજન્સીએ એવો દાવો કર્યો છે કે ચીને પોતાના ત્રણ આર્ટિફિશિયલ ટાપુ પર એન્ટી-શિપ અને એન્ટી-એરક્રાફ્ટ મિસાઇલો તૈનાત કરી છે. જ્યારે ચીનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા હુઆ ચુનીંગે જણાવ્યું છે કે તેમનો દેશ દક્ષિણ ચીન સાગરના ટાપુઓમાં શાંતિપૂર્ણ નિર્માણ કરી રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સુવિધાઓને જરુરિયાતને ધ્યાનમાં રાખીને તૈનાતી કરવામાં આવી છે. આ તૈનાતીનો અર્થ કોઇને ટાર્ગેટ કરવાનો નથી. અમારો કોઇ આક્રમક ઇરાદો નથી અને તેના વિશે કોઇએ ચિંતા કરવાની પણ જરુર નથી.
વિશ્વના સૌથી મોટા વિવાદાસ્પદ ક્ષેત્રમાંથી એક દક્ષિણ ચીન સાગર પર ચીન પોતાના આધિપત્યનો દાવો કરે છે. જ્યારે ફિલિપાઇન્સ અને વિયેતનામ જેવા નાના ટાપુ દેશો પણ દક્ષિણ ચીન સાગર પર પોતાના દાવા કરી ચુક્યા છે. આ મામલે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે કહ્યું છે કે અમેરિકા આ મુદ્દા અંગે ચીનના અધિકારીઓ સાથ વાત કરી રહ્યું છે. સેન્ડર્સે એવું પણ કહ્યું છે કે દક્ષિણ ચીન સાગરમાં ચીનની વધી રહેલી ગતિવિધિઓ અંગે અમેરિકા સંપૂર્ણપણે સુનિશ્ચિત છે.
સૌથી પહેલા સીએનબીસીએ અમેરિકાના ગુપ્તચર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ફિલિપાઇન્સના પૂર્વ ક્ષેત્ર, મિસચિફ રીફ, ફિયરી ક્રોસ રીફ અને સૂબી રીફમાં ચીને પોતાના મિલિટ્રી વેપન્સ તૈનાત કરી દીધા છે. સીએનબીસી મુજબ ચીન દ્વારા તૈનાત કરાયેલી વાયજે-૧૨બી એન્ટી-શિપ મિસાઇલ કૃત્રિમ ટાપુઓથી ૨૯૫ નોટિકલ માઇલના અંતરે જહાજો પર હુમલા કરવામાં સક્ષમ છે.