દુબઈ, તા.૧૭
ભારતીય મહિલા ટીમની સ્ટાર બેટસમેન અને કપ્તાન મિતાલી રાજ આઈસીસીની મહિલા બેટિંગ રેન્કીંગમાં બીજા સ્થાને યથાવત છે. પણ બ્રિટનમાં ચાલી રહેલી આઈસીસી મહિલા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શનથી તેણે ટોચનું સ્થાન ધરાવતી ઓસ્ટ્રેલિયાની લેનિંગ અને પોતાના વચ્ચેનું અંતર ઓછું કરી દીધું છે. ન્યુઝીલેન્ડ વિરૂધ્ધ કરો યા મરો મુકાબલામાં સદી સાથે ભારતને સેમીફાઈનલમાં પહોંચાડનારી મિતાલીએ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં ૩પ૬ રન બનાવ્યા છે. તાજેતરમાં જ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાઈએસ્ટ રન બનાવનાર બેટસમેન બનનાર મિતાલી ૭૭૪ રેટીંગ પોઈન્ટ છે. અને પ્રથમ સ્થાને ચાલી રહેલી લેનિંગની ફક્ત પાંચ પોઈન્ટ પાછળ છે. તેના સિવાય ભારતના અન્ય કોઈ બેટસમેન ટોપટેનમાં સામેલ નથી. મિતાલી ગત સપ્તાહે જ મહિલા વન-ડે ક્રિકેટમાં ૬૦૦૦ રન બનાવનાર પ્રથમ મહિલા બેટસમેન બની છે.