નવી દિલ્હી, તા.૨૨
ભારતની સ્ટાર બેટ્‌સમેન મિતાલી રાજે સ્પિનર પૂનમ યાદવના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે, પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવવાથી ભારતનો આત્મ વિશ્વાસ વધશે. ટી૨૦ વિશ્વકપની પહેલી મેચમાં પૂનમની ૪ વિકેટની મદદથી ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ૧૭ રનથી પરાજય આપ્યો હતો. મિતાલીએ આઈસીસી માટે કહ્યું, ’દરેક ઓસ્ટ્રેલિયાની બેટિંગમાં ઉંડાણની વાત કરી રહ્યું હતું પરંતુ તેમ છતાં તે ૧૩૨ રનનો લક્ષ્ય હાંસિલ ન કરી શક્યું.’
તેણે કહ્યું, ‘ભારતનો આત્મ વિશ્વાસ આ જીતથી ખુબ વધશે પરંતુ હજુ વિશ્વકપ ખુલ્લો છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચે સાબિત કરી દીધું કે ટૂર્નામેન્ટમાં કેટલી ટક્કર થશે. રેન્કિંગની કોઈ અસર પડતી નથી.’
મિતાલીએ કહ્યું, ‘આ જીતથી સાબિત થઈ ગયું કે દરેક ટીમ માટે તક છે. આ મેચ વિશ્વકપથી લાગેલી અપેક્ષાઓ પર ખરી ઉતરી છે.’ ભારતની પૂર્વ ટેસ્ટ અને વનડે કેપ્ટને કહ્યું, ‘પૂનમ ઘણા સમયથી ભારતની મુખ્ય સ્પિનર રહી છે અને એકવાર ફરી તેની શૈલી કામ કરી ગઈ. તેની બોલિંગે મેચની તસવીર બદલી દીધી છે.’