(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૯
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનાં શીલ પાસેના બામણવાડા ગામે બનેલી એક આઘાતજનક ઘટનામાં ખુદ પતિએ પોતાની પત્નીને પોતાના નાના ભાઇ અને મિત્ર સાથે સેક્સ માણવાની ફરજ પાડી હતી.આ ઉપરાંત તેણીના ગુપ્તાંગ ઉપર સીતમની ચરમસીમા વટાવી હતી.
પીડિતા પિયરે જતાં અને ત્યાં ગુપ્તાંગે પતિએ મારેલ ટાંકા પાકી જતાં ચાલવામાં તકલીફ પડતી હોઇ ભાભીઓએ પૂછતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, માંગરોળ તાલુકાનાં શીલ તાબેનાં બામણવાડા ગામે લુકડીયા શેરીમાં રહેતો પીઠા રણમલ પીઠીયા પોતાની પત્ની પર અમાનુષી ત્રાસ ગુજારતો. છેલ્લા ૧૦ વર્ષથી તે પત્નિને નાના ભાઇ કેશુર અને મિત્ર ભગવાન રાજશી પીઠીયા સાથે સેક્સ સંબંધો બાંધવાની ફરજ પાડતો. તેમજ તે પોતે પણ વાસના સંતોષી પોતાની પત્નીને નાળિયેરનાં લુંગુથી સાથળ પર માર મારતો. હદ ત્યારે આવી ગઇ કે તેણે પત્નીનાં ગુપ્તાંગને સોય દોરાથી ટાંકા લઇ બંધ કરી દીધું. જો કોઇને આ વાત કહે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી. ડરેલી યુવતીએ કોઇને આ અત્યાચારની વાત નહોતી કરી.દરમ્યાનમાં પીઠાની સાસુનું મૃત્યુ થતાં તેની પત્ની પિયર ગઇ હતી. અહીં તેના ટાંકા પાકી જતાં ચાલવામાં તકલીફ પડતી હતી. આથી ભાભીએ પૂછતાં પીઠાનો ભાંડો ફૂટ્યો હતો. ભાભીઓએ યુવતીના ભાઈઓને કહેતાં તેમણે હિંમત આપતાં બાદમાં પત્નીએ પતિ, દિયર અને પતિનાં મિત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. પોતાનાં કરતૂતનો ભાંડો ફૂટી જતાં પીઠો, તેનો નાનો ભાઇ કેશુર અને મિત્ર ભગવાન ફરાર થઇ ગયા છે. તેને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. પતિ-દિયર અને પતિનાં મિત્ર દ્વારા અત્યાચારનો ભોગ બનેલી પિડીતાને સંતાનમાં ૩ પુત્રી અને ૧ પુત્ર છે. પુત્રી હાલ ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે.