(એજન્સી) તા.ર૩
ઘરમાંથી એકે-૪૭ રાઈફલ અને બોમ્બ મળ્યા પછી ફરાર થયેલા પટણા જિલ્લાના મોકામાથી બાહુબલી અપક્ષ ધારાસભ્ય અનંતસિંહે શુક્રવારે દિલ્હીની સાકેત કોર્ટમાં સરેન્ડર કરી દીધું છે. આત્મ સમર્પણ કરતા પહેલા અનંતસિંહે ગુરૂવારે મોડી રાત્રે પોતાનો ત્રીજો વીડિયો જારી કરતા જણાવ્યું હતું કે તે પોલીસની સામે નહીં પરંતુ અદાલતની સામે આત્મ સમર્પણ કરશે. જણાવી દઈએ કે અનંતસિંહના ઘરમાંથી એક એકે-૪૭ રાઈફલ અને ગ્રેનેડ જપ્ત થયા હતા અને તે ધરપકડથી બચવા માટે લગભગ એક અઠાવડિયાથી ભાગી રહ્યો હતો. અનંતસિંહે ૧૯ ઓગસ્ટે એક વીડિયો જારી કર્યો હતો કે તે ધરપકડથી ડરતા નથી. રથી ૩ દિવસ પછી અદાલતની સમક્ષ આત્મ સમર્પણ કરી દેશે.
અનંતે ગુરૂવારે જારી એક નવા વીડિયોમાં જણાવ્યું કે તેમને પોલીસ પર વિશ્વાસ નથી. તે પોલીસની સામે નહીં પરંતુ અદાલતની સમક્ષ આત્મ સમર્પણ કરશે. અમને અદાલત પર વિશ્વાસ છે.
જો કે હાલમાં પોલીસે તેમના ઘરમાં દરોડા પાડીને એક એકે-૪૭ રાઈફલ જપ્ત કરી હતી. જણાવી દઈએ કે અનંતસિંહ સતત વીડિયો જારી કરી રહ્યા હતા, પરંતુ પોલીસ તેમને શોધી શકી ન હતી. અનંતસિંહની પત્ની નિલમ દેવીએ હાલમાં લોકસભા ચૂંટણીમાં મુંગેર સીટથી કોંગ્રેસની ટિકિટ પર લલન સિંહની વિરૂદ્ધ ચૂંટણી લડી હતી પરંતુ પરાજિત રહી.