(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૪
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષો વચ્ચે ખેંચતાણ પણ બરોબર જામી રહી છે. કોંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાયા હતા. જો કે આ પૂર્વ ધારાસભ્યા હનુ ધોરાજિયા મૂળ ભાજપના જ હતા, ર૦૧ર સુધી તેઓ ભાજપમાં જ હતા. એટલે તેમની ઘર વાપસી થવા પામી છે. આ સમયે તેમણે હાર્દિકને લઈને પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આંદોલન વખતે હાર્દિક પટેલની સાથે હતો, પરંતુ પછી ખબર પડી કે હાર્દિક તો કોંગ્રેસનો એજન્ટ છે.
લોકસભાની ચૂંટણીના ભણકારાઓ વાગી ચૂકયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક પછી એક કોંગ્રેસી નેતાઓ જોડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે પણ લાઠીથી કોંગ્રેસના પૂર્વ ધોરાજિયા ભાજપમાં જોડાયા હતા. આ સાથે ભાજપમાં અડધા ડઝનથી પણ વધુ કોંગી નેતાઓ જોડાઈ ચૂકયા છે. આજે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો પડયો હતો. કોંગ્રેસના લાઠીથી પૂર્વ ધારાસભ્ય હનુ ધોરાજિયા આજે ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. અમરેલીના પાટીદાર અગ્રણી હનુભાઈ ધોરાજિયા કે જેઓ અમરેલીમાં પાટીદારો વચ્ચે ખાસ્સુ વર્ચસ્વ ધરાવે છે. તેઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડયું છે. આજે ગાંધીનગરમાં જીતુ વાઘાણીએ હનુભાઈને ભાજપનો ખેસ પહેરાવીને તેમને આવકાર્યા હતા. બીજી બાજુ હનુભાઈએ પણ ભાજપનો ખેસ પહેર્યા બાદ જણાવ્યું હતું કે, હું ભાજપમાં કોઈપણ પ્રકારની અપેક્ષા વગર જોડાયો છું. ભાજપની વિકાસનીતિને જોઈને પાર્ટીમાં જોઇન્ટ થયો છું. પાટીદાર આંદોલન વખતે પણ હું હાર્દિક સાથે લાગણીથી જોડાયો હતો. પરંતુ મને પછી ખબર પડી કે, હાર્દિક તો કોંગ્રેસનો એજન્ટ છે. તે તો માત્ર દેખાડો કરે છે. સમાજના આડે પોતાનો રાજકીય રોટલો શેકી પોતાની ઈચ્છાઓ પુરી કરવા માગે છે.