અમદાવાદ,તા.૪
બહુચર્ચિત કરોડો રૂપિયાના બિટકોઈન કૌભાંડ મામલે ભાગેડું જાહેર થયેલા અને બાદમાં ઝડપાયેલા પૂર્વ એમએલએ નલિન કોટડિયાની જામીન અરજી અંગે કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી જે પૂર્ણ થઈ ગઈ છે. આ સુનાવણીમાં આરોપી નલિન કોટડિયાના વકીલ તરફથી કોર્ટમાં એવી દલીલ કરાઈ હતી કે આરોપી બીમાર છે અને સારવારની જરૂરિયાત છે. માટે કોટડિયાને જામીન આપવા જોઈએ. જે મામલે સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. રાજયમાં ગાજેલા કરોડો રૂપિયાના બિટકોઈન કૌભાંડ મામલે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી સામે આવી હતી. જે મામલે વારંવાર વોરંટ ઈસ્યુ કરવા છતાં નલિન કોટડિયા હાજર થયા ન હતા જેથી તેમને ભાગેડુ જાહેર કરાયા હતા, બાદમાં તે મહારાષ્ટ્રમાંથી ઝડપાયા હતા જેમની જામીન અંગેની સુનાવણી કોર્ટમાં પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આ અંગે સામા પક્ષે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે વારંવાર આરોપીને વોરંટ આપ્યા છતાં આરોપી હાજર ન રહ્યો હતો કોર્ટના નિયમનો ઉલ્લંઘન કરવામાં આવ્યો છે. જો આરોપી બીમાર છે તો સારવાર જેલમાં પણ થઈ શકે છે. જો આરોપીને જામીન મળે તો આરોપી પુરાવાની સાથે ચેડાં કરી શકે છે. જેથી આરોપીને જામીન ન આપવા જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આવનારા દિવસોમાં આ અંગે કોર્ટ ચુકાદો આપે તેવી શકયતા છે.