(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૮
વડોદરામાં મતદાન દરમ્યાન મતપેટીમાં જો ભાજપનું કમળ ના ખીલ્યું તો, મતદારોને ઠેકાણે પાડી દેવાની ખુલ્લેઆમ ધમકી આપી લુખ્ખાગીરી કરનારા ભાજપના વડોદરાના મધુ શ્રીવાસ્તવને ભારે વિવાદ અને હોબાળા બાદ આખરે ચૂંટણી પંચે શો-કોઝ નોટિસ ફટકારી છે અને ત્રણ દિવસમાં લેખિતમાં ખુલાસો કરવા ફરમાન કર્યું છે. જેને લઇને હવે રાજકારણ જબરદસ્ત ગરમાયું છે. ચૂંટણી પંચની કાર્યવાહી બાદ ભાજપના ધારાસભ્યની મુશ્કેલી વધી છે અને જો તેમની વિરૂધ્ધ ચૂંટણી આચારસંહિતા ભંગની વાત સાબિત થશે તો તેમની વિરૂધ્ધ વિધિવત ફરિયાદ સહિતની કાર્યવાહી પણ થઇ શકે છે. વડોદરા લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટની તાજેતરમાં વાઘોડિયા ખાતે જાહેરસભા યોજાઇ હતી. આ સભામાં વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવે વાઘોડિયામાં રહેતા બહારના મતદારોને ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરી ધમકી આપી હતી. બીજીબાજુ, મધુ શ્રીવાસ્તવનો આ વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થતાં લોકોમાં આ પ્રકારની લુખ્ખી ધમકી આપનાર ભાજપના ધારાસભ્ય વિરૂદ્ધ ઉગ્ર આક્રોશ અને ફિટકાર ઉભો થયો હતો. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ધમકી ભર્યા બેફામ વાણી વિલાસના રાજ્યભરમાં ચર્ચા અને ભારે હોબાળો થયા બાદ આખરે ચૂંટણી પંચે ધારાસભ્યને શો-કોઝ નોટિસ પાઠવી ત્રણ દિવસમાં તેનો જવાબ આપવા જણાવતા હવે ધારાસભ્યની મુશ્કેલી વધે તેમ જણાય રહ્યું છે.
ખુલ્લેઆમ ધમકી અંગે ૩ દિ’માં ખુલાસો કરવા પંચનો ધારાસભ્યને આદેશ

Recent Comments