(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
ગુજરાત ભાજપમાં આંતરિક કલહ ધીમે ધીમે સપાટી ઉપર આવી રહ્યો છે મુખ્યમંત્રી રૂપાણી અને ડે.સી.એમ. નીતિન પટેલ વચ્ચેનો ગજગ્રાહ તો હવે સર્વવિદિત બની ચૂકેલ છે. ત્યારબાદ ભાજપના વડોદરાના ત્રણ ધારાસભ્યોની નારાજગી બહાર આવતા તેને લઈને રાજ્યભરમાં નવી ચર્ચા શરૂ થઈ જવા પામી છે ત્યારે ભાજપના અગ્રણીઓ દ્વારા નારાજ ધારાસભ્યોને મનાવી લેવાના પ્રયાસો ગત રોજથી જ આદરવામાં આવતા આખરે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેઓ સાથે ગાંધીનગરમાં બેઠક કરી તેઓની નારાજગી દૂર કરી દીધાનો દાવો કર્યો હતો. જો કે એક ધારાસભ્ય ગેરહાજર રહેતા હજુ નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કેતન પટેલ અને યોગેશ પટેલે ખુલ્લેઆમ નારાજગી જાહેર કર્યા બાદ તેમને ગાંધીનગર બોલાવી મનાવી લેવાયા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ધારાસભ્યો સાથે બેઠક કરી તેમની નારાજગી દૂર કર્યાનો દાવો કર્યો છે. નીતિન પટેલે કહ્યું છે કે ધારાસભ્યો સહિત ચૂંટાયેલા કર્મચારીઓના કામ થાય તે જરૂરી છે. હવે કામ ન કરતા અધિકારીઓની યાદી બનાવી કાર્યવાહી કરશે.
જે અધિકારીઓ કામ નહીં કરતા હોય કે ચૂંટાયેલા સભ્યોની વાત નહીં સાંભળતા હોય તેમની સામે કાર્યવાહી કરાશે. ડે.સીએમએ વધુમાં ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી વિદેશ પ્રવાસથી પરત ફરશે ત્યારે તેમની સાથે પણ આ મામલે ચર્ચા કરવામાં આવશે. જો કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ગાંધીનગર આવ્યા નહોતા. આ મામલે નીતિન પટેલે કહ્યું હતું કે તેમની તબિયત સારી થશે એટલે તેમની સાથે પણ વાતચીત કરી નારાજગી દૂર કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય યોગેશ પટેલનો બહુ ઘણા સમયથી ભાજપ સરકારથી નારાજ હોવાની અને તેને પગલે જ આજે ગાંધીનગર ન આવી બેઠકમાં હાજર રહ્યા ન હોવાનું જાણવા મળેલ છે. તેઓ મુખ્યમંત્રીને રજૂઆત કરે તેવી વાત બહાર આવી છે.