હમીરપુર,તા.૩૦
દેશમાં મહિલા સશકિતકરણની વાત થાય છે ત્યારે યુપીના રાઠમા ખૂબ જ શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલ મુજબ યુપીના વિકાસખંડ રાઠના મુસ્કરા ખુર્દ ગામમાં ધૂમ્ર ઋષિનું આશ્રમ છે. આશ્રમ અને મંદિરમાં ધૂમ્ર ઋષિની પ્રતિમા પણ છે. હમીરપુરની મહિલા ભાજપ ધારાસભ્ય મનિષા અનુરાગીએ મંદિરમાં પ્રવેશીને ધૂમ્ર ઋષિની પૂજા કરતા સ્થાનિક લોકો નારાજ થયા હતા અને ગ્રામીણોએ કેવળ મંદિરની ગંગાજળથી સફાઈ જ નહીં પરંતુ ઋષિની મૂર્તિને અલ્હાબાદના ત્રિવેણી સંગમમાં લઈ જઈને સ્નાન કરાવ્યા પછી પુનઃસ્થાપિત કરી. આ સમગ્ર ઘટના પાછળ ગ્રામીણોમાં અંધશ્રધ્ધા જવાબદાર છે. માન્યતા મુજબ ધૂમ્ર ઋષિ બાળ બ્રહ્મચારી હતા. સ્ત્રી દર્શન તેમના માટે અપરાધ હતું. આ મંદિરમાં મહિલાઓના પ્રવેશથી ગામમાં દુકાળ પડતો હોવાની ગ્રામીણોમાં માન્યતા છે. આ મંદિરમાં ગત ૧ર જુલાઈના રોજ રાઠ વિધાનસભા ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય મનિષા અનુરાગીએ પૂજા કરી હતી. જયારે ગ્રામીણોએ મહિલા ધારાસભ્યને મંદિરમાં પૂજા કરતી જોઈ તો હોબાળો મચી ગયો અને સમગ્ર ગામમાં અઘટિત ઘટનાની આશંકા ફેલાઈ ગઈ. ગ્રામીણોએ તાબડતોબ ગંગાજળથી મંદિરને ધોયું ત્યારબાદ ધૂમ્ર ઋષિની પ્રતિમાને અલ્હાબાદ સંગમમાં સ્નાન કરાવીને બાદમાં મંદિરમાં મૂર્તિને પુનઃ સ્થાપિત કરી.