અમદાવાદ, તા.૩
શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર આવેલા ગોકુલ ફલેટ્‌સ એન્ડ રોહાઉસના ટર્નીંગ પાસે ગઇકાલે રાત્રે પૂરપાટ ઝડપે ઇનોવા કાર ચલાવી એક એકટીવાચાલકને ઉડાવી મોત નીપજાવવાના ચકચારભર્યા બનાવમાં આ ઇનોવા કાર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની હોવાનું સામે આવતાં સમગ્ર મામલો ગરમાયો છે. વિવાદ વકરતાં આજે કોંગી ધારાસભ્ય શૈલેષ પરમારનો આરોપી ડ્રાઇવર દેવેન્દ્ર ભાવસાર કાર સાથે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. પોલીસે સમગ્ર મામલે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, ભોગ બનનાર એકટીવાચાલકના પરિવારમાં તો શોકનો માતમ પથરાયો છે. મૃતકની પત્નીએ ચોધાર આંસુએ રડતાં રડતાં આરોપી ડ્રાઇવર પર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, અમે હવે નોધારા થઇ ગયા, અમારું કોણ ? મારા છોકરાઓ હજુ નાના છે, તેમને કોણ ભણાવશે અને હવે હું કોના સહારે જીવીશ. મારે ન્યાય જોઇએ છે બસ મને ન્યાય અપાવો. અમે અમારા ઘરનો મોભી ગુમાવ્યો છે, હવે અમે કોના સહારે જીવીએ? મારા પતિને જો સમયસર સારવાર મળી હોત તો તેમનો જીવ બચી ગયો હોત. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાત્રે શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર આવેલા ગોકુલ ફલેટ્‌સ એન્ડ રોહાઉસના ટર્નીંગ પાસે ગઇકાલે રાત્રે પૂરપાટ ઝડપે ઇનોવા કાર ચલાવી એક એકટીવાચાલક પ્રફુલભાઇ પટેલ(સત્તાધાર, સ્વાગત એપાર્ટમેન્ટ)ને ઉડાવી ઇનોવાનો ચાલક ફાર થઇ ગયો હતો.