યુનીફાઈડ ગેમમાં

જિલ્લા કલેક્ટર અને રમત-ગમત અધિકારીએ યુવા પ્રતિભાને શુભેચ્છા પાઠવી

 

છોટાઉદેપુર, પાવીજેતપુર, તા.૪

પ્રતિભા એ કોઈ ધર્મ, કોમ, જ્ઞાતિ કે અન્ય બંધનોની ગુલામ નથી એ કુદરતી દેન છે. આવી જ પ્રતિભા છોટાઉદેપુર પબ્લિક સ્કૂલના પઠાણ મોહંમદ ઝહીર જમીલ અહેમદે દાખવી છે.

એસજીએફઆઈ (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા ચાલુ વર્ષે કરાટે-ટેકવેન્ડોલ રેસલિંગ અને બોકસિંગ વગેરે ચારેય રમતોના સમન્વયવાળી નવી રમત યુનીફાઈડની રાજ્ય કક્ષાની સ્પર્ધા છોટાઉદેપુર ખાતે યોજાઈ હતી. જેમાં પ્રથમ ક્રમાંક મેળવ્યા બાદ છત્તીસગઢ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં છોટાઉદેપુરના યુનાઈટેડ પબ્લિક સ્કૂલના પઠાણ મોહંમદ ઝહીર જમીલ અહેમદે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી છોટાઉદેપુર જિલ્લાનું તેમજ ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે.

સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ચાલુ વર્ષે છોટાઉદેપુરની યુનાઈટેડ પબ્લિક સ્કૂલ ખાતે રાજ્ય કક્ષાની યુનીફાઈડ ગેમની સ્પર્ધા યોજાઈ હતી. કરાટે, ટેક્વેંડુ, રેસલિંગ, બોક્સિંગ આમ ચાર ગેમના સમન્વયથી બનેલી એક નવી ગેમ યુનીફાઈડનું આ વર્ષે સ્કૂલ ગેેમ્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં છોટાઉદેપુર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રાજ્યના જુદા જુદા જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જેટીએ સ્પોર્ટસ એન્ડ સેલ્ફ ડીફેંસ એકેડેમીના કોચ જાબીર મલેક દ્વારા  તાલીમ  પામેલા  મોહંમદ ઝહીર જમીલ અહેમદ પઠાણ પ્રથમ ક્રમાંક મેળવી સ્ટેટ ચેમ્પિયન બન્યો હતો જ્યારે આ જ એકેડેમીના બીજા ખેલાડી નિહાલ મહેબૂબ જુજારા  પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન લઈ રાજ્યની ટીમમાં પસંદગી પામ્યો હતો. આ બંનેએ ગત ૨૬થી ૩૦ ડિસેમ્બર દરમિયાન છત્તીસગઢના રાજનંદ ગાંવ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં પઠાણ મોહંમદ ઝહીરે મેડલ પ્રાપ્ત કરી છોટાઉદેપુર જિલ્લા સહિત ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. જે બદલ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર વતી કલેેક્ટર વિજય ખરાડી તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી લક્ષ્મણ ચૌહાણે અભિનંદન પાઠવ્યા હતા. છોટાઉદેપુરની અંગ્રેજી માધ્યમ યુનાઈટેડ પબ્લિક સ્કૂલના ધોરણ ૮મા અભ્યાસ કરતા ઝહીર પઠાણે કરાટેની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વર્ષ ૨૦૧૪માં રાજપીપળા ખાતે જાન્યુઆરી ૨૦૧૬માં  કર્ણાટકાના શિવમોગા ખાતે યોજાયેલ કરાટેની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ બ્રોંઝ મેડલ  પ્રાપ્ત કર્યો હતો.