મોસ્કો, તા. ૨૦
ફિફા વર્લ્ડ કપમાં પણ યજમાન રશિયાએ જોરદાર દેખાવ જારી રાખીને તેની સતત બીજી જીત મેળવી લીધી હતી. આની સાથે જ રશિયા હવે આગામી દોરમાં પહોંચી ગયુ છે. તેની શાનદાર રમતથી ચાહકો રોમાંચિત થયા હતા. રશિયાએ તેની પ્રથમ મેચમાં સાઉદી અરેબિયા પર ૫-૦ના અંતરથી જીત મેળવી હતી. હવે ઇજિપ્ત પર ૩-૧ના અંતરથી જીત મેળવી લીધી છે. સેનેેગલે પોલેન્ડ પર ૨-૧થી જીત મેળવી મોટો અપસેટ સર્જ્યો હતો. રશિયાએ બીજા હાફમાં જોરદાર રમત રમી હતી. બીજા હાફના ૧૫ મિનિટના ગાળામાં જ ત્રણ ગોલ કરી દેવામાં આવ્યા હતા. આની સાથે જ તે બીજા રાઉન્ડના કિનારે પહોંચી ગયુ છે. સતત બીજી મેચ હારી ગયા બાદ હવે ઇજિપ્તને વાપસી માટેની ટિકિટ બનાવી દેવાની ફરજ પડી શકે છે. ઇજિપ્તના સ્ટાર સ્ટ્રાઇકર મોહમ્મદ સલાહે ઇજા બાદ વાપસી કરી હતી. એક ગોલ પણ કર્યો હતો. ઇજિપ્ત તરફથી ફાતહીએ આત્મઘાતી ગોલ કરીને પોતાની ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી. ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં ગ્રુપ એચની એક મેચમાં જાપાને આજે કોલંબિયા ઉપર ૨-૧થી જીત મેળવી હતી. આની સાથે જ જાપાને બ્રાઝિલ વર્લ્ડકપમાં મળેલી ૪-૧થી મળેલી હારનો બદલો પણ લઇ લીધો હતો. જાપાન તરફથી પ્રથમ ગોલ કગાવાએ પેનલ્ટી મળ્યા બાદ કર્યો હતો. જ્યારે બીજો ગોલ ૭૩મી મિનિટમાં ઓસોકોએ કર્યો હતો. કોલંબિયા તરફથી એકમાત્ર ગોલ ક્વિન્ટેરોએ કર્યો હતો. જો કે, સ્ટાર ખેલાડી રોડ્રીગેજ કોઇ ગોલ કરી શક્યો ન હતો જેથી ચાહકોમાં નિરાશા રહી હતી. નિજની મેદાન પર રમાયેલી ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ની ગ્રુપ એફની એક મેચમાં દક્ષિણ કોરિયા ઉપર સ્વિડને ૧-૦થી જીત મેળવી લીધી હતી. પહેલા હાફમાં કોઇ ગોલ થઇ શક્યા ન હતા જ્યારે બીજા હાફમાં ૬૫મી મિનિટમાં સ્વિડનના કેપ્ટન આંદ્રેસે ગોલ ફટકાર્યો હતો. પેનલ્ટી મળ્યા બાદ આ ગોલ ફટકારવામાં આવ્યો હતો.
૧૯મી તારીખની મેચોના પરિણામ
કોલંબિયા પર જાપાનની ૨-૧થી જીત થઇ
પોલેન્ડ પર સેનેગલની ૨-૧થી જીત થઇ
ઇજિપ્ત પર રશિયાની ૩-૧થી જીત થઇ
આજે રમાનારી મેચો
ડેનમાર્ક વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ( ૫-૩૦ વાગે)
ફ્રાન્સ વિરુદ્ધ પેરુ (૮-૩૦ વાગે)
આર્જેન્ટિના વિરુદ્ધ ક્રોએશિયા ( ૧૧-૩૦)