(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
રિક્ષામાં મુસાફરોના મોબાઈલની ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધાર સહિત સાતની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ચોરીના ૨૧ મોબાઈલ અને રિક્ષા કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વહેલી સવારે આવતા મુસાફરોને બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન જેવા વિસ્તારમાં રિક્ષામાં બેસાડી નિશાન બનાવતા હતા. રિક્ષામાં મુસાફરોને બેસાડ્‌યા બાદ આગળ-પાછળ ખસવાનું કહીને મોબાઈલ ફોન સેરવી લેતી ગેંગ સંદર્ભે કતારગામ પોલીસને બાતમી મળ્યા બાદ કોસાડ આવાસમાં રહેતી રિક્ષા ચાલક ટોળકીના રફિક ઉર્ફે બાંગો ઉમરદરાસ શેખ, અનવર કાસમ શેખ, અલ્લારખા ઉર્ફે અલ્લુ સાબિર શેખ, વીકી સાજન થોરાટ, રાહુલ સુરેશ આહિરે, ફૈયાઝ કયુમશા, અનીશ ઐયુબને ઝડપી પાડ્‌યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીના ૨૧ મોબાઈલ અને રિક્ષા મળીને કુલ રૂપિયા ૧,૭૯,૫૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. ટોળકીની પ્રાથમિક પૂછપરછમાં ચોરીના મોબાઈલ કોસાડ આવાસમાં રહેતા ફાઇનાન્સર રફિક ઉર્ફે બાંગો ઉમરદાસ શેખને વેચતા હતા. આ મોબાઈલના લોક આવાસમાં મોબાઈલની દુકાન ધરાવતા અનીશ ઐયુબ તોડી આપતો હોવાની કબૂલાત કરતા બંને જણાની પણ ધરપકડ કરી હતી. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ટોળકી રિક્ષા લઇને સાંજના તેમજ વહેલી સવારે નીકળતી હતી. જે બાદમાં મુસાફરને આગળ પાછળ કરીને તેમના મોબાઇલ ફોનની ચોરી કરી લેતી હતી. ફક્ત મોબાઇલ જ નહીં તેમના વોલેટની પણ ચોરી કરી લેતા હતા. આરોપી રફિક ઉર્ફે બાંગો ઇચ્છાપોરમાં સાત વર્ષ અગાઉ મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયેલો છે. જયારે અલ્લારખા ઉર્ફે અલ્લુ ખટોદરામાં છ વર્ષ અગાઉ મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયેલો છે.