(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૩
રાજ્યમાં મોટા શહેરો સહિતના નગરોમાં ઠેર-ઠેર ખાદ્ય પદાર્થો વગેરેમાં ભેળસેળની વધતી જતી ફરિયાદોને લઈ પ્રજાને તેની સામે જાગૃત કરવા ઉપરાંત ભેળસેળ કરનારા સામે કડક અભિગમ દાખવવા સરકાર કટીબધ્ધ બની છે. સરકાર દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ અભિગમ હેઠળ અદ્યતન સાધનોથી સજજ મોબાઈલ લેબોરેટરી વાન રાજ્યમાં ફેરવવા માટે મુકવામાં આવી છે. જેમાં દૂધ-તેલ પાણી સહિત ખાદ્ય-પદાર્થોની લેબોરેટરી તપાસ માટે પ્રજાજનો તપાસ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ વાન રાજયભરમાં ફરતી રહેશે.
નાયબ મુખ્ય.મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સના અભિગમ હેઠળ મોબાઈલ ફુડ ટેસ્ટીંગ વાન થકી નમુનાઓનું પરીક્ષણ કરાશે.
આજે ગાંધીનગર ખાતે કેન્દ્ર સરકાર પુરસ્કૃત મોબાઈલ ફુડ ટેસ્ટીંગ વાનનું લોકાર્પણ કરતાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, નાગરીકોને અશુદ્ધ અને ભેળસેળ વાળો ખાદ્ય પદાર્થ ન લેવો પડે તે માટે આ મોબાઈલ વાન વિવિધ જિલ્લાઓમાં ફેરવવામાં આવશે અને નાગરીકો સામેથી ટેસ્ટીંગ માટે ખાદ્ય પદાર્થ લઈને આવશે તો તેનું વિનામુલ્યે ટેસ્ટીંગ પણ કરી આપવામાં આવશે. અને જો નમુનો ભેળસેળયુક્ત પુરવાર થશે તો સામેથી સેમ્પલ લઈને તેની સામે કાયદાકીય રીતે કડક પગલા લેવાશે. કેન્દ્ર સરકારના ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરેટી ઓફ ઈન્ડિયા દ્વારા અગાઉ આવી એક વાન ગુજરાતને ફાળવવામાં આવી હતી. હવે આ બીજી મોબાઈલ વાન વિનામુલ્યે પૂરી પાડવામાં આવી છે. જેનું રાજ્યભરમાં પરિભ્રમણ કરીને જનજાગૃતિ કેળવાશે. આ વાનનો તમામ આનુષાંગિક ખર્ચ પણ કેન્દ્ર સરકાર દ્વારા પુરુ પાડવામાં આવશે. તેમણે ઉમેર્યું કે આ મોબાઈલ વાન અદ્યતન ટેક્નોલોજીયુક્ત સાધનોથી સુસજ્જ છે. આ સાધનો દ્વારા સ્થળ પર જ નમુનાનું પરીક્ષણ થઈ શકશે. મિલ્ક ટેસ્ટીંગ મશીન દ્વારા દૂધની તપાસ ખાદ્યતેલ પીવાનું પાણી, શરબત ઉપરાંત અન્ય ખાદ્ય સામગ્રીનું પણ તપાસ થઈ શકશે.