(એજન્સી) આઝમગઢ, તા.૧૯
અત્રે એક યુવકને મોબાઈલ ચોરીના શંકામાં પકડી ૯ શખ્સો વીજળીના ઝાટકા આપ્યાની ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ આઝમગઢ પોલીસે ૪ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જ્યારે બાકીના પ આરોપીઓની તલાશ ચાલી રહી છે. પોલીસે કહ્યું કે શિવકુમાર નામનો શેરવા ગામનો વ્યક્તિ ગયા ગુરૂવારે સરારી મીરાં ખાતે યુસુફ નામના વ્યક્તિની મોબાઈલની દુકાને ગયો હતો અને નોકરી માટે અરજ કરી હતી. થોડીક બન્ને વચ્ચે ચર્ચા બાદ યુસુફ નમાઝ કરવા ગયો હતો. તે પરત ફર્યો ત્યારે મોબાઈલ ફોન ગુમ હતા. તેણે શિવકુમાર પર મોબાઈલ ફોન ચોરીનો આરોપ મૂકયો. ત્યારબાદ યુસુફ અને બીજા ૮ શખ્સોને ભેગા મળી શિવકુમારને ટેબલ સાથે બાંધી દઈ ચોરી કબૂલવા માટે વીજળીના શોક આપવા માંડયા. તેને મારઝૂડ પણ કરી. ત્યારબાદ શિવકુમાર ગમે તેમ કરી ત્યાંથી ભાગી છૂટયો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. આરોપીઓએ વીજળીના ઝાટકા આપતો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ઘટનાની તપાસ શરૂ કરી હતી. પોલીસ પીડિત શિવકુમાર સુધી પહોંચી હતી અને સમગ્ર હકીકત જાણી આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો. પોલીસે શિવકુમારની ફરિયાદના આધારે મોબાઈલ શોપના માલિક યુસુફ, શફીક, રિઝવાન, અદનાન, આતિક, રાશીદ, તારીક, ફૈઝ, ઐયુબની ધરપકડ કરી હતી. તેમની સામે શિવકુમારને ટેબલ પર બાંધી વીજળીના શોક આપવા અને મારઝૂડનો આરોપ છે. પોલીસે કહ્યું કે આ નવ આરોપીઓમાંથી અદનાન, આતિક, રાશીદ અને તારીકને ઝડપી લેવાયા છે. બાકીનાની ધરપકડ માટે કાર્યવાહી તેજ બનાવાઈ છે. પોલીસે કહ્યું કે ચોરીનો આરોપ મૂકી શિવકુમારને ત્રાસ આપવાના બદલે યુસુફે ફરિયાદ કરવી જોઈતી હતી. મેડિકલ ટેસ્ટમાં શોક અપાવવાનું સાબિત થતું નથી. શિવકુમાર હિસ્ટ્રીશિટર છે તેની સામે ઘણા કેસો ચાલે છે. જેથી આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.