(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૪
ટ્રેનમાં મુસાફરી દરમ્યાન મુસાફરોનાં મોબાઇલ ફોન ચોરીનાં બનાવને પગલે રેલવે એલસીબી પોલીસે વિવિધ ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં ટેકનોલોજીનો ઉપયોગથી બે મહિનામાં રેલવે એલસીબીએ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળનાં રાજ્યોમાંથી આવતી-જતી ટ્રેનોમાં મોબાઇલ ફોનની ચોરી કરતી ગેંગનાં ૧૦ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ તેમની પાસેથી ૨૧૭ મોબાઇલ કબજે કર્યા હતા. સાથે જ આજે રેલવે પોલીસ ભવન ખાતે મુસાફરોને રેલવે પોલીસનાં ઉચ્ચ અધિકારીની હાજરીમાં મોબાઇલ ફોન પરત કરવામાં આવ્યા હતા.
આ અંગે જણાવતા રેલવે પોલીસ વડા આર.જે.પારગીએ જણાવ્યું હતું કે, ટ્રેનોમાંથી અવારનવાર મોબાઇલ ફોન ચોરી થવાની ફરિયાદોને પગલે રેલવે એલસીબી પીઆઇ કે.એમ. રાઠવાના સુપરવિઝનમાં વિવિધ ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ જીપીએસ તેમજ આઇએમઇઆઇ નંબરની મદદથી તપાસ શરૂ કરતાં પોલીસે ચોરી કરતી ગેંગનાં ૧૦ સભ્યોને ઝડપી પાડયા હતા. પોલીસે તમામ પાસેથી ૧૭,૨૧,૬૩૯ રૂા.ની કિંમતનાં ૨૧૭ મોબાઇલ કબજે કર્યા હતા.
આજરોજ રેલવે પોલીસ વડા આર.જે. પારગી તથા અન્ય રેલવે અધિકારીઓની હાજરીમાં રેલવે પોલીસ ભવન ખાતે ચોરી થનાર મોબાઇલનાં માલિકોને તેમની ફરિયાદની કોપી સાથે બોલાવી મોબાઇલ ફોન પરત કરતાં મુસાફરોમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. સામાન્ય રીતે કોર્ટ દ્વારા મુદ્દામાલ પરત કરવામાં આવે છે. પરંતુ મુસાફરોને પોલીસની કામગીરી પર વિશ્વાસ બેસે તે હેતુથી ફરિયાદની કોપી લઇ તમામ મોબાઇલના માલિકોને મોબાઇલ ફોન પરત કરવામાં આવ્યા હોવાનું પણ આર.જે. પારગીએ જણાવ્યું હતું. પોલીસની કામગીરીને મોબાઇલ ફોન પરત મેળવનાર માલિકો તથા મુસાફરોએ પણ બિરદાવી હતી.