(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા. ૧
થોડા દિવસો અગાઉ ખરીદેલા એમ.આઇ. નોટ-૫ પ્રો મોબાઇલ ફોનમાં ધડાકા સાથે ધુમાડો નીકળ્યો હોવાની એક ઘટના સામે આવી છે. મોબાઇલમાં થયેલા ધડાકાની સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઇ ગઇ હતી. મોબાઇલ ધારકે આક્ષેપ કર્યો છે કે, જ્યારથી મોબાઇલ ફોન લીધો હતો. ત્યારથી મોબાઇલ ગરમ થતો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર જિલ્લાના વાઘોડિયા નવાપુરામાં રહેતા અનિલ યાદવે ૪ માસ પહેલાં એમ.આઇ. કંપનીનો નોટ-૫ પ્રો મોબાઇલ ખરીદ્યો હતો. જે મોબાઇલ સતત ગરમ રહેતો હતો. આજે તે પોતાના ઘર પાસે ચ્હાની લારી ઉપર ગયો હતો. જ્યાં પોતાના મિત્રને મોબાઇલ ગરમ થતો હોવાની ફરિયાદ કરી હતી. અને મોબાઇલ ખિસ્સામાંથી બહાર કાઢી મૂકતાની સાથેજ મોબાઇલમાં ધડાકો થયો હતો. અને ધુમાડા નીકળ્યા હતા.
મોબાઇલ ફોન ગરમ થતો હોવાથી યુવાને કંપનીના સર્વિસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પરંતુ, ગરમ થતા ફોન અંગેનો પ્રશ્ન હલ થયો ન હતો.યુવાને જણાવ્યું હતું કે, આજે મારા ઘર પાસે ચ્હાની લારી ઉપર ગયો હતો. જ્યાં મોબાઇલ ફોન ખિસ્સામાંથી કાઢીને ટેબલ ઉપર મુકતાજ મોબાઇલમાં ધડાકો થયો હતો. અને ધુમાડા નીકળ્યા હતા. આ સમગ્ર ઘટના ચ્હાની કીટલી પાસેના સી.સી.ટી.વી.માં કેદ થઇ ગઇ હતી.