અમદાવાદ,તા.૨૭
આનંદનગર રોડ પર આવેલ આદિત્યરાજ આર્કેડમાં ડિવાઇન ડેન્ટલ ક્લિનિકમાં ભરબપોરે પેશન્ટ બની આવેલ યુવક મહિલા ડોકટરના ગળે છરી મૂકી મોબાઇલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. આનંદનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને ઝડપવા તજવીજ હાથ કરી છે. મળતી માહિતી મુજબ આનંદનગર વિસ્તારમાં આવેલ હંસ રેસિડન્સીમાં ડો. દૃષ્ટિ ભટ્ટ રહે છે. તેઓ આનંદનગર રોડ પર આવેલા આદિત્યરાજ આર્કેડમાં ડિવાઇન ડેન્ટલ ક્લિનિક ધરાવે છે. નરેન્દ્ર રાઠોડ નામનો શખસ જે અગાઉ તેની માતા કમલાબહેનની સારવાર માટે ડો. દૃષ્ટિના ક્લિનિક પર આવતો હતો તે ગઇ કાલે બપોરના આસપાસ પોતાની દાંતની સારવાર માટે આવ્યો હતો. સારવાર કરાવ્યા બાદ તેણે ફી પણ ચૂકવી હતી. બીજી વાર ક્યારે બતાવવા આવવું તેમ કહી ઊભો થયો હતો. દરમ્યાનમાં ડો.દૃષ્ટિ ખાનામાંથી મોબાઇલ કાઢતા હતા ત્યારે નરેન્દ્ર રાઠોડે તેની પાસે રહેલી છરી કાઢી ગળા પર રાખી મોબાઇલ ફોનની લૂંટ ચલાવી હતી. ડોકટરે બૂમાબૂમ કરતાં તે ત્યાંથી નાસી ગયો હતો. આનંદનગર પોલીસ સ્ટેશનમાં મહિલા ડોકટરે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.