(એજન્સી) નવી દિલ્હી, તા.૭
સુપ્રીમ કોર્ટે બધા રાજ્યોને ટોળાકીય હત્યાઓને રોકવા માટે પૂરતા પગલા લેવાના નિર્દેશો આપ્યા હતા. ફક્ત ૧૬ રાજ્યોએ સુપ્રીમ કોર્ટના આદેશ સામે રિપોર્ટ રજૂ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટ સમગ્ર ભારતમાં થતી ટોળાકીય હત્યાઓ બાબત દાખલ કરાયેલ અરજીની સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટે બધા રાજ્યોને જણાવ્યું છે કે એ એક અઠવાડિયામાં કોર્ટના આદેશ મુજબ રિપોર્ટ દાખલ કરે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જે રાજ્યો ગૌરક્ષકો દ્વારા કરાતા હુમલાઓને રોકવા અને ટોળાકીય હત્યાઓને રોકવા પૂરતા પગલા બાબત સોગંદનામુ દાખલ નહીં કરે તો ગૃહ સચિવોને રૂબરૂ હાજર રહેવા આદેશ આપવામાં આવશે. વધુમાં કોર્ટે બધા રાજ્યોને સૂચના આપી કે દિશા નિર્દેશોને પોતાની વેબસાઈટો ઉપર મૂકે. કોર્ટે લોકોને જણાવ્યું કે લોકો કાયદો પોતાના હાથમાં ન લે અને સમાજમાં શાંતિ અને એખલાસનું વાતાવરણ જાળવવામાં સહયોગ આપે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પુછ્યું હતું કે શું સરકાર ટોળાકીય હત્યાઓ રોકવા કાયદો ઘડી રહી છે કે કેમ.
બુધવારે ગૃહ મંત્રી રાજનાથસિંગની આગેવાની હેઠળ મંત્રીઓના જૂથની મીટિંગ મળી હતી. જેમાં ચર્ચા કરાઈ હતી કે ટોળાકીય હિંસાને રોકવા નવો કાયદો ઘડવામાં આવે કે નહીં, કારણ કે હાલમાં આ ઘટનાઓ વધી રહી છે.
આ પહેલા કોર્ટે રાજ્ય સરકારોને કડક શબ્દોમાં નિર્દેશો આપ્યા હતા કે ટોળાકીય હિંસાઓ રોકવાની જવાબદારી રાજ્ય સરકારોની છે.