(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૬
મોડાસા નજીક સાયરા(અમરાપુર) ગામની અનુ.જાતિ સમાજની ૧૯ વર્ષીય ૫ દિવસ અગાઉ ગુમ થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી પોલીસને યુવતીનું અપહરણ થયું હોવાની સાથે ૪ શખ્શોને નામજોગ અને અન્ય શખ્શો અપહરણમાં સામેલ હોવાની અને યુવતીનું કારમાં અપહરણ થયું હોવાના સીસીટીવી ફૂટેજ આપ્યા હતા. રવિવારે સવારે સાયરા ગામ નજીક ગુમ યુવતીની ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી હતી પરિવારજનો અને મોટી સંખ્યામાં દોડી આવેલા લોકોએ યુવતી સાથે સામુહિક બળાત્કાર કરી હત્યા કરી લાશ લટકાવી દીધી હોવાના આક્ષેપ સાથે યુવતીનો મૃતદેહ ઝાડ પરથી ઉતારવાનો નનૈયો ભણી પોલીસતંત્રની ઢીલી નીતિના પગલે યુવતીનો ભોગ લેવાયો હોવાનો રોષ ઠાલવ્યો રેન્જ આઈજી પણ મયંકસિંહ ચાવડા પણ સોમવારે મોડાસા દોડી આવ્યા હતા.
સાયરા ગામે ઘટનાસ્થળે પરિવારજનો અને અનુ.જાતિના લોકોના ટોળેટોળા ઉમટતા જિલ્લાભરની પોલીસ સાયરા ગામમાં ખડકી દીધી હતી અજંપાભરી સ્થિતિનું નિર્માણ થતા માંડી સાંજે જીલ્લા પોલીસવડા મયુર પાટીલ ઘટનાસ્થળે પહોંચી પરિવારજનો અને સામાજિક અગ્રણીઓને તેમની માંગણીઓ અંગે હૈયાધારણા આપતા સાંજે ૭ વાગ્યા પછી યુવતીનો મૃતદેહ ઝાડ પરથી ઉતારી મોડાસા પીએચસી સેન્ટર માટે ખસેડી દીધો હતો.
વહેલી સવારથી જ વહીવટી તંત્ર તેમજ પોલિસ તંત્રની સમાજના આગેવાનો સાથે બેઠકોનો દોર ચાલ્યો હતો પણપરિવારજનો પહેલા ફરિયાદ પછી પોસ્ટમોર્ટમની માંગ સાથે હોસ્પિટલમાં મહિલાઓ ધસી આવતા ઉગ્ર દેખાવો કર્યો હતો.
પીએચસી સેન્ટર પર એકઠા થયેલા યુવાનોએ મોડાસા ચાર રસ્તા પર બપોરે ૨ વાગ્યા પછી ચક્કાજામ કરી ફરિયાદ નોંધવાની માંગ પર અડગ રહેતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા ચાર રસ્તા પર પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા અને ચક્કાજામ કરનાર યુવકનોને સમજાવવા પ્રયત્નો હાથ ધરાયાં હતા યુવાનો અને પીએચસી સેન્ટર પર ધરણાપર બેઠેલા પરિવારજનો ટસના મસના થતા ભારે તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું. સમગ્ર ઘટનાના પગેલ મોડાસા શહેરમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું આખરે પોલીસતંત્રએ મૃતક યુવતીના પરિવારજનોની માંગ અનુસાર ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હોવાની માહિતી પોલીસસૂત્ર પાસેથી પ્રાપ્ત થઈ હતી.