મોડાસા, તા.૧૯
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં નાગરિકતા સુધારણા કાયદા (સીએએ)નો અમલ કરવાની મક્કમતા દર્શાવતા દેશના વિવિધ ભાગોમાં આ કાયદાનો વિરોધ ઉઠ્યો છે. અરવલ્લી જિલ્લામાં લઘુમતી સમાજ અને કોંગ્રેસમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સીએએ અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆર્સી)ના મુદ્દે વિરોધ વ્યક્ત કરી અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી બિલ પરત લેવામાં આવેની માંગ સાથે બિલ પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
અરવલ્લી જિલ્લામાં ત્રણે વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયેલા છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સીએએ અને એનઆરસી કાયદાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા અંગે જાણ કરવા છતાં ત્રણે ધારાસભ્યમાંથી એક પણ ધારાસભ્ય હાજર ન રહેતા કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો લઘુમતી સમાજ કોંગ્રેસની કમિટેડ વોટબેંક હોવા છતાં ત્રણે ધારાસભ્યોની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી ત્રણે ધારાસભ્યોની ગેરહાજરી ચર્ચાનું કેન્દ્ર બની હતી
શહેર પ્રમુખ ઇકબાલ ઇપ્રોલીયા, હુસેનભાઈ ખાલક, ઝુલ્ફી મનવા, નઈમ મિરઝા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો અને બંધારણ બચાવો ની માંગ કરી હતી.