(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા. ૪
અરવલ્લી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ જૂન ૨૦૧૭ ના રોજ મોડાસા શહેર ખાતે મુલાકાત લઈ જનસભા યોજી વિવિધ લોકાર્પણ અને ખાતમુહ્રત કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મોડાસા શહેરમાં આઈકોનિક બસ પોર્ટના નિર્માણની જાહેરાત અને ડિજિટલ ખાતમુર્હૂત કરવામાં આવતા શહેરીજનો અને જિલ્લાવાસીઓમાં આંનદ છવાયો હતો એક વર્ષ વીતવા છતાં તોડી પડાયેલ બસ સ્ટેન્ડની જગ્યા પર એક પણ ઇંટ ન મુકાતા મોડાસા શહેરનો વિકાસ રૂંધાયો હોય તેવો અહેસાસ નગરજનોને થઈ રહ્યો છે. હાલ હંગામી બસ સ્ટેન્ડમાં અપૂરતી સુવિધાઓથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પ્રજાજનો મોડાસામાં અત્યાધુનિક આઈકોનિક બસ સ્ટેન્ડનું કામકાજ ઝડપથી પૂર્ણ થાય તેવી લોક માંગ પ્રબળ બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા આઈકોનિક બસપોર્ટ સતત વિવાદમાં ઘેરાયેલું રહેતા અને વિરોધના પગલે એનએની મંજૂરી ન મળતા કામકાજ ઘોંચમાં પડતા લોકોમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે. લોકો પૂછી રહ્યા છે કે, હવે આઈકોનિક બસ સ્ટેન્ડ બનશે કે નહીં ? બનશે તો ક્યારે બની રહેશે ? તેવા અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. મોડાસા આઈકોનિક બસ સ્ટેન્ડના ખાતમુર્હૂતને એક વર્ષ થવા છતાં બનાવવાની મંજૂરી મેળવી ન શકનાર ખાનગી કંપની સામે પણ લોકો આંગળી ચીંધી રહ્યા છે.
ઉતાવળે તોડી પડાયેલ મોડાસા એસટી ડેપોને હંગામી ધોરણે મેઘરજ રોડ પર આવેલા સહકારીજીનના મેદાનમાં ખસેડાતા હંગામી બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ હોવાથી મુસાફરો તોબા પોકારી ઉઠ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ બસ સ્ટેન્ડમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.