(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.ર૬
મોડાસામાં સીએએ અને એનઆરસીના વિરોધમાં અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી,મોડાસા દ્વારા આપવામાં આવેલ બંધના એલાન બાદ મુસ્લિમ પોત-પોતાના ધંધા-રોજગાર બંધ રાખી વિરોધમાં જોડાયા હતા. બજારમાં જનતા કર્ફ્યુની અસર જોવા મળી હતી. મોડાસા શહેરના લઘુમતી સમાજના તમામ લોકોએ ઘરની અંદર રહી રોઝા રાખી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસતંત્ર એ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મોડાસા શહેરમાં આવેલી તમામ લઘુમતી સમાજની દુકાનો બંધ રહી હતી. મખદૂમ ચોકડી, કોલેજ રોડ, માર્કેટયાર્ડ વિસ્તાર સહિત લઘુમતી વિસ્તારમાં જનતા કર્ફ્યુ અને સજ્જડ બંધ જોવા મળ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) તથા સૂચિત રીતે અમલમાં મૂકાનારા એનઆરસી કાનૂનના વિરોધમાં અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના અડધા ઉપરાંત વિસ્તારોએ અભૂતપૂર્વ અને જડબેસલાક બંધ રાખી બંધારણના ભંગ કરનારા કાનૂન સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શહેરના લઘુમતી કોમના લોકોએ અનોખો અને શાંતિપ્રિય વિરોધ આજરોજ કર્યો હતો. જેમાં લઘુમતી વિસ્તારના તમામ ધંધા રોજગાર બંધ રાખી સ્વયંભૂ રીતે લોકોએ જનતા કરફ્યુ રાખી પોતાના ઘરોમાં જ રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મોડાસા શહેરના કોલેજ રોડથી બસ-સ્ટેશન સુધીના તથા શહેરના અંદરના ઘાંચીવાડા, કસ્બા, વહોરવાડ, સૈયદવાડા અને દૂર-દૂર સુધીના સોસાયટી વિસ્તારોમાં સ્વયંભૂ લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. વહેલી સવારથી જ આ વિસ્તાર સૂમસામ ભાસતો હતો અને લોકોએ તમામ દુકાનો બંધ રાખી એકદમ શાંતિપ્રિય અંદાજમાં ઘરોમાં રહી રોઝા રાખી ઈબાદત કરી હતી. પોતાની રીતે અભૂતપૂર્વ અને અનોખો વિરોધ જોઈ અન્ય લોકો પણ અચંબામાં પડી ગયા હતા. આજના બંધના દિવસે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી મોડાસા ખાતે એક કાર્યક્રમમાં હાજર રહેલા હતા. ત્યારે શાંતિપ્રિય અને શિસ્તબદ્ધ અંદાજનો અનોખો વિરોધ પ્રદર્શન નિહાળી નાયબ મુખ્યમંત્રી પણ અચંબામાં મૂકાઈ ગયા હતા.