અમદાવાદ, તા.૨૭
CAA અને NRCના વિરોધમાં દેશભરની સાથે અમદાવાદ અને ગુજરાતમાં પણ રોજેરોજ દેખાવો થઈ રહ્યા છે ક્યાંક બંધ ક્યાંક રેલી તો ક્યાંક દેખાવોના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પરંતુ મોડાસાની પ્રજાએ જે રીતે વિરોધ પ્રદર્શિત કર્યો તે રાજ્ય અને દેશની પ્રજાએ અનુકરણ કરવા જેવું છે. મોડાસાના તમામ સમાજ અને તમામ ફિરકાના લોકો એ એક થઈ એક અવાજે જનતા કરફ્યુનું એલાન આપ્યું હતું, જેને મોડાસાની શાંતિપ્રિય પ્રજાએ ઉઠાવી લઈ સજ્જડ અને ઐતિહાસિક જનતા કરફયુ પાળી દેશભરની પ્રજાને સંદેશો પાઠવ્યો હતો. અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી મોડાસા દ્વારા જનતાને અપીલ કરવામાં આવી હતી કે, આજ તા.૨૭ -૧૨- ૨૦૧૯ને શુક્રવારના રોજ તમામ હિન્દુ-મુસ્લિમ, શીખ, ઇસાઇ વેપારીઓ અને લોકો NRC અને CAAના વિરોધમાં પોતાના ધંધા-રોજગાર સ્વયંભૂ બંધ રાખે અને જનતા કરફ્યુ પાળી વિરોધ નોંધાવે. કમિટીની આ અપીલને માન રાખી મોડાસાની જનતાએ સવારથી જ તેમના ધંધા-રોજગાર અને દુકાનો બંધ રાખી હતી. કમિટી દ્વારા મુસ્લિમ સમાજને અપીલ કરવામાં આવી હતી કે, નમાઝ ખાસ કરીને જુમ્માની નમાજ પઢવા જતી વખતે અને આવતી વખતે શાંતિ જાળવી રાખે અને નમાઝ પઢયા બાદ ઘરે પરત ફરે.અને શક્ય હોય તો તમામ લોકો રોજા રાખે અને ઘરમાં બેસી નમાઝ સહિતની ઈબાદત કરે.આ અપીલને પ્રજાએ એ વધાવી લીધી હતી અને નમાઝના સમય સિવાય આખા મોડાસાના રસ્તાઓ,ગલી મોહલ્લા સૂમસાન ભાસતા હતા. જાણે કરફયુ લાગ્યો હોય એ રીતે લોકો ઘર બહાર નીકળ્યા ન હતા. આ અંગે મોડાસાના સ્થાનિક આગેવાન તારીકભાઈ અશરફીએ જણાવ્યું છે કે, અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટીની લાગણીને માન આપી મોડાસાની જનતાએ જે સ્વયંભૂ જનતા કરફ્યુ પાડ્યો છે, તે કાબિલેદાદ છે કોઈપણ પ્રકારની રેલી કે ધરણા દેખાવ વિના આવી રીતે શાંતિપૂર્વક બંધ પાળી અને જનતા કરફ્યુ રાખી મોડાસાની જનતાએ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો. મોડાસાની પ્રજાએ જે પ્રકારે વિરોધ નોંધાવ્યો છે તેનો રાજ્યભરના લોકોએ બોધપાઠ લેવા જેવો છે તમામ ફિરકાના લોકોએ ભેગા મળી એક કમિટી બનાવી આ કમિટીના નેજા હેઠળ તમામ નાની મોટી જમાતના લોકોને અપીલ કરવામાં આવી હતી પરિણામે બંધને આટલી જબ્બર સફળતા મળી હતી આ જ પ્રકારે રાજ્યના લોકો પણ બંધ પાડી ધંધા રોજગાર બંધ રાખી તેમજ જનતા કરફ્યુ રાખી વિરોધ નોંધાવે તો હિંસા અટકી શકે અને તંત્રને પણ વધારે જહેમત ઉઠાવવી ના પડે.