(એજન્સી) બગદાદ, તા.ર૯
ઈરાકના બગદાદમાં ઈરાકી મોડેલ અને ઈન્સ્ટાગ્રામની સ્ટાર તારા ફરેસની મધ્ય બગદાદમાં એમની પોર્શે કારમાં ગોળી મારી હત્યા કરાઈ છે. એમની હત્યાથી સોશિયલ મીડિયા ચાહકોમાં ગમગીની પ્રસરી ગઈ છે. ઈરાકના ગૃહમંત્રાલયે જણાવ્યું કે, બગદાદના કેમ્પ સરાહ જિલ્લામાં રર વર્ષીય મોડેલ તારાને ત્રણ ગોળીઓ મારવામાં આવી હતી. એ પોતાની કાર ડ્રાઈવ કરી રહી હતી. મંત્રાલયે તપાસ શરૂ કરી છે. તારા ફરેસના ઈન્સ્ટાગ્રામ ઉપર ર.૭ મિલિયન ફોલોઅર્સ છે એ પોતાની ફેશન, સ્ટાઈલ અને વૈભવી રહેણીકરણીના લીધે ચર્ચામાં રહેતી હતી. એમની હત્યાનું કારણ એમની પ્રસિદ્ધિ અને જીવનશૈલી હોવાનું કહેવાય છે. ઈરાકી વ્યંગકાર અહમદ અલ બશીર જે હાલ જોર્ડનમાં રહે છે એમણે ફરેસની હત્યાને વખોડી કાઢી છે. એમણે લખ્યું જે લોકો ફરેસની હત્યા કરનારાઓનું સમર્થન કરશે એ સહ આરોપીઓ જ હશે. એક યુવતીની ફક્ત એ માટે હત્યા કરાઈ છે કે એ પોતાનું જીવન પોતાની ઈચ્છા પ્રમાણે જીવતી હતી, જે રીતે દુનિયાની લાખો યુવતીઓ જીવન જીવે છે.