(એજન્સી) કોલંબો, તા.૨૯
શ્રીલંકાના કોલંબો સહિત દેશના અનેક સ્થળો પર થયેલા સીરિયલ બ્લાસ્ટ પછી હવે ત્યાંથી સરકારે સખ્ત વલણ અપનાવ્યું છે. શ્રીલંકન સરકારે રવિવારે બુર્ખા અને મોઢું ઢાકનારા કપડાઓ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ દેશમાં સોમવારથી લાગુ થયો છે. શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટની જવાબદારી આઈએસએ લીધી હતી. ત્યારબાદ ત્યાંની સરકારે આ આદેશ આપ્યો છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિએ લખ્યું કે, “આવા કપડા પહેરવા જે મોઢાને સંપૂર્ણપણે ઢાંકતા હોય, સોમવારથી તેના પર પ્રતિબંધ છે. શ્રીલંકાની સંસદમાં થોડાક દિવસ પહેલાં જ એક સાંસદે સુરક્ષા કારણોનો હવાલો આપતા બુર્ખા પર પ્રતિબંધ લગાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સાંસદ આશુ મુરાસિંઘે જણાવ્યું હતું કે, “બુર્ખા” મુસ્લિમોનો પારંપરિક પહેરવેશ નહતો, ત્યાંના ઓલ સેલોન જામીયતુલ ઉલમા નામના મૌલવીઓના સંગઠને પણ એક આદેશ જારી કરી મહિલાઓના બુર્ખા અથવા મોઢુું ઢાકવાવાળા કપડાઓનો ઉપયોગ ના કરવાની વાત જણાવી હતી. એવું એટલા માટે કહેવામાં આવ્યું હતું કે, જેથી રાષ્ટ્રીય સુરક્ષામાં કોઈ પ્રકારની અડચણ ના ઊભી થાય. એવું માનવામાં આવી રહ્યું હતું કે, વડાપ્રધાન તેની પર હામી ભરશે નહીં, પરંતુ એવું થયું નહીં. ર૧ એપ્રિલે જુદા-જુદા વિસ્તારોમાં ચર્ચાને નિશાન બનાવી કુલ આઠ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા, તેમાં રપ૩ લોકોનાં મોત નિપજ્યા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આતંકી સંગઠન આઈએસઆઈએસએ આ વિસ્ફોટોની જવાબદારી લીધી છે. બોમ્બ વિસ્ફોટ પછી શ્રીલંકામાં મોટાપાયા પર અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે અને દરેક સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.