ગુવાહાટી,તા. ૩૦
ગુજરાતમાં પુરની સ્થિતિનું હવાઈ સર્વેક્ષણ કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુરની સ્થિતિની સમીક્ષા કરવા પહેલી ઓગસ્ટના દિવસે આસામ પહોંચશે. રાજ્ય સરકારના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, યાત્રા દરમિયાન મોદી આસામમાં તાજેતરના પુર સાથે સંબંધિત જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરશે.
આ ઉપરાંત હવાઈ સર્વેક્ષણ કરે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. ગુવાહાટીમાં મુખ્યમંત્રી અને અન્ય અધિકારીઓ સાથે તેઓ વાતચીતકરશે. મળેલી માહિતી મુજબ ફ્લુડ મેનેજમેન્ટ સાથે સંબંધિત અધિકારીઓ સાથે પણ તેઓ વાતચીત કરનાર છે. પુરના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરશે. કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી પુરની ગંભીર સ્થિતિ હોવા છતાં વડાપ્રધાન આસામ પહોંચી રહ્યા નથી. બીજી બાજુ રાજ્ય સરકારના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, પુરના વર્તમાન મોજામાં આસામમાં ૨૯૩૯ કરોડનું નુકસાન થઇ ચુક્યું છે. આસામમાં પુરની સ્થિતિ ગંભીર બનેલી છે. મોતનો આંકડો વધીને ૭૬ ઉપર પહોંચી ચુક્યો છે. વડાપ્રધાન દ્વારા હવે પહેલી ઓગસ્ટના દિવસે મુલાકાત લેવામાં આવનાર છે. તેને લઇને તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. પુરની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થઇ ચુક્યો છે અને જનજીવન સામાન્ય બની રહ્યું છે ત્યારે વડાપ્રધાનની આ યાત્રાને લઇને પણ પ્રશ્નો ઉઠે તેવી શક્યતા ેદખાઈ રહી છે. મોદી આસામ પહેલા જ ગુજરાતમાં પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી ચુક્યા છે. સાથે સાથે ૫૦૦ કરોડ રૂપિયાની સહાયતા પણ આપી ચુક્યા છે. આવી સ્થિતિમાં આસામ માટે પણ પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. આસામમાં હાલમાં ભાજપ સરકાર હોવાથી મોદી આ યાત્રાને લઇને પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે અને પેકેજ ઉપર હવે તમામનું ધ્યાન કેન્દ્રિત થયું છે.