(સંવાદદાતા દ્વારા)
પાટણ, મહેસાણા,તા.૧૩
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હાલ નવસર્જન ગુજરાતના નેજા હેઠળ ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રવાસે છે. આજે ત્રીજા દિવસે તેમણે પાટણ, હારીજ, બહુચરાજી મહેસાણા અને વિસનગર વગેરે સ્થળોએ જાહેરસભા કરી નોટબંધી, જીએસટી, ઉદ્યોગપતિઓ પર ભાજપ સરકારની મહેરબાની, મોંઘુ અને કથળતુજતુ શિક્ષણ, આરોગ્ય સેવાઓ મોંઘી, બેરોજગારી સહીતના મુદ્દે કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી અને ખુબ જ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, પાંચ-દસ ઉદ્યોગપતિઓ સિવાય ભાજપ અને મોદીને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે. હવે તેઓ ગમે તેટલા ધમપછાડા કરે પરંતુ પ્રજાએ પરિવર્તનનું મન મનાવી લીધું છે. આ હજારોની જનમેદનીના તાળીઓના ગડગડાટ અને ચિચિયારીઓ સાથે રાહુલે વધુમાં જણાવ્યું હતું કે, માત્ર જૂઠ્ઠાણાંઓ ચલાવતાં અને લોકોની લાગણીઓ સાથે રમત રમતા નરેન્દ્ર મોદી અને ભાજપને ગુજરાત સહિત દેશની જનતા હવે ઓળખી ગઇ છે અને તેથી હવે ગુજરાતમાં બદલાવ આવી રહ્યો છે અને ડિસેમ્બરમાં કોંગ્રેસની સરકાર જ બનશે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર, શોષણ અને અત્યાચાર ચરમસીમાએ છે. મોદીજી તેમના મનની વાત જનતાને કરે છે પરંતુ અમે અમારા મનની વાત નહી કરીએ. આ વખતે ડિસેમ્બરમાં કોંગ્રેસની સરકાર બનવાની છે અને અમે જનતાના મનની વાત સાંભળીશું અને તેના બળના સહારે ગુજરાતની જનતાની સરકાર ચલાવીશું. તેમણે ઉમેર્યું કે, મોદીજી કહેતા હતા કે, ના ખાઉંગા, ના ખાને દૂંગા પરંતુ હવે જય શાહ અને વિજય રૂપાણીના મામલે મોદીજી કંઇ બોલતા નથી અને બોલવા પણ દેતા નથી, તેથી હવે સૂત્ર બદલાઇ ગયુ છે કે, ના બોલુંગા, ના બોલને દૂંગા. ગુજરાતમાં ખેડૂતો, આદિવાસીઓની જમીન, પાણી, વીજળી છીનવીને તેમના હક્કના પાણી, વીજળી અને જમીન મોદીના માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવાય છે. નર્મદાનું પાણી ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓને અપાય છે પરંતુ ખેડૂતો અને આદિવાસીઓને મળતું નથી. મોદી સરકાર અને ભાજપ વાયદાઓ કરે છે પરંતુ પાળતા નથી. મોદી સરકારે એક લાખ, ૩૫ હજાર કરોડ રૂપિયાના દેવા ઉદ્યોગપતિઓના માફ કર્યા પરંતુ ખેડૂતાના દેવા માફ કરવાનું નામ નથી લેતી. હજુ પણ મોદી સરકાર છ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરવાની છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડા હાથે લેતાં જણાવ્યું કે, નોટબંધીએ ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં સૌથી મોટી ભૂલ હતી અને સ્વયં મોદીએ હિન્દુસ્તાનના ખેડૂતો, મજૂરો, આદિવાસીઓ, નાના દુકાનદારો, વેપારીઓ, મહિલાઓ, બહેનો બધાને લાઇનમાં લગાવી દીધા અને બેંકોના પાછલા દરવાજેથી હિન્દુસ્તાનના તમામ ચોરોએ પોતાનું કાળુ નાણું સફેદ કરાવી દીધું. આ બહુ આઘાતજનક અને લોકશાહીના ઇતિહાસમાં કાળા દિવસ સમાન ઘટના છે. કારણ કે, નોટબંધી દરમ્યાન ૧૦૦થી વધુ નિર્દોષ નાગરિકો મોતને ભેટયા અને લાખો લોકો બેરોજગાર થઇ ગયા. આટલુ ઓછું હોય તેમ નોટબંધીના પ્રહાર બાદ મોદી સરકારે જીએસટીનો વજ્રાઘાત લોકોને માર્યો, ખાસ કરીને નાના દુકાનદારો, વેપારીઓ અને મધ્યમ કદના ઉદ્યોગકારો ખતમ થઇ ગયા. આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીનો કરોડોનો નફો અને રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને સેબી દ્વારા દંડ ફટકારવાના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સીધા સવાલો કરતાં જણાવ્યું હતું કે, મોદીજી દેશના યુવાઓ અને જનતાને એ સમજાવે કે, અમિત શાહના પુત્ર જય શાહની કંપની રૂ.૫૦ હજાર કરોડમાંથી રૂ.૮૦ કરોડનો નફો કરતી કેવી રીતે થઇ ગઇ? મુખ્યમંત્રી વિજય રૂપાણીને સેબીએ દંડ ફટકાર્યો તે મુદ્દે પણ મોદીજી કેમ કંઇ બોલતા નથી. જય શાહ અને રૂપાણી મુદ્દે કંઇક તો બોલો મોદીજી. જો તમે નહી બોલો તો, જનતા સમજી જશે કે, તમે ચોકીદાર નહી ભાગીદાર છો.