Ahmedabad

મોદી અને રાહુલ ગાંધીના રોડ- શોને પોલીસ પરવાનગી મળી નહીં

અમદાવાદ, તા.૧૧
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીનો અંતિમ તબક્કાનો પ્રચાર રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને અમદાવાદમાં રોડ-શો કરવા માટે પરવાનગી પોલીસે આપી જ ન હતી. પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ પોલીસ કમિશનર વતી નાયબ પોલીસ કમિશનરે એક યાદીમાં જણાવ્યું હતું કે, તા.૧૨/૧૨/૧૭ના રોજ શહેર ભાજપા દ્વારા ધરણીધર જૈન દેરાસરથી બાપુનગર ચાર રસ્તા સુધી તથા શહેર કોંગ્રેસ દ્વારા જગન્નાથ મંદિરથી મેમ્કો ચાર રસ્તા સુધી રોડ-શો તથા કોર્નર મીટિંગ યોજવા માટે પરવાનગી માંગવામાં આવી હતી. તેના રૂટ અતિ ટ્રાફિકની વ્યવસ્થા વાળા છે. ઉપરાંત તે રેલવે સ્ટેશન અને મહત્ત્વના બસ સ્ટેશન આગળથી પસાર થાય છે તેમજ રૂટમાં ભરચક બજાર પણ આવેલા છે. જે ચાલુ દિવસ હોય અતિ વ્યસ્ત રહે છે. જેથી સામાન્ય જનતાને અવગડ ઊભી થાય તેમ છે. આ ઉપરાંત આ રૂટ કોટ વિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં માર્ગ સાંકડો તેમજ કોમ્યુનલ રીતે ઘણો સંવેદનશીલ છે. જેથી સુરક્ષાનો તેમજ કાયદો અને વ્યવસ્થાનો અને ટ્રાફિકનો પ્રશ્ન ધ્યાને રાખી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પરવાનગી આપવામાં આવી નથી.