અમદાવાદ, તા.૧૬
લોકસભાની ચૂંટણીને લઈને હાલ ગુજરાતમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ચૂંટણીમાં મતદાતાને ધમકી આપતા નિવેદનો કરવાની વણઝાર લાગી છે.વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, ભાજપના મેનકા ગાંધી સહિત અનેક નેતાઓએ જાહેરમાં મતદારોને ધમકી આપી છે ત્યારે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. દાહોદના ફતેપુરાના ભાજપના ધારાસભ્ય રમેશ કટારાએ મત માટે મતદારોને ખૂલ્લી ધમકી આપતો વીડિયો વાયરલ થયો છે. જેમાં રમેશ કટારા મતદારોને ધમકી આપતા કહે છે કે મોદી સાહેબ કેમેરા લઈને બેઠા છે. જો મત ઓછા મળ્યા તો ભાજપ કામ પણ ઓછું જ કરશે. આ નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે ચૂંટણીપંચ ભાજપના ધારાસભ્ય સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ ??? લોકસભાની ચૂંટણીનો માહોલ ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. બન્ને પાર્ટીના નેતાઓ પલટવાર કરીને પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદના ફતેપુરાના ધારાસભ્યનો એક વિવાદિત વીડિયો વાયરલ થઇ રહ્યો છે. દાહોદના ભાજપ ધારાસભ્ય રમેશ કટારાએ મત માટે મતદારોને ખૂલ્લી ધમકી આપતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ચૂંટણીમાં થતાં મતદાન વિશે એક વિવાદિત નિવેદન ધારાસભ્યનું સામે આવ્યું છે. તેમને સ્ટેજ પરથી ધમકીભર્યા ઉંચા સ્વરે લોકોને કહ્યું કે, મોદી કેમેરામાં બેઠા-બેઠા બધુ ભાળે છે કે ક્યાં કેટલા મત ભાજપ અને કોંગ્રેસમાં પડે છે. આ બધુ તે પોતાની નજરે જોવે છે. જો મત ઓછા મળ્યા તો ભાજપ કામ પણ ઓછું કરશે. દાહોદના ફતેપુરા વિધાનસભાના ધારાસભ્યનો મતદારોને ભાજપને મત નહીં નાખો તો કોઈપણ સરકારી લાભ નહીં મળે તેવું સભાને સંબોધતાનો વીડિયો વાયરલ થયો છે. મતદારોને એક સભામાં ધારાસભ્ય રમેશ કટારાએ જણાવ્યું કે, જો ભાજપને મત નહી નાખો તો મોદી કામ ઓછું આપશે. ઝૂંપડાના પૈસા પણ મોદી તમારા ખાતામાં નહીં નાખે. મોદી કેમેરામાં બેઠા-બેઠા બધું ભાળે છે કે કયા બૂથમાં કેટલા મત ભાજપને અને કોંગ્રેસને પડ્યા. જો તમે ભાજપને મત નહીં આપો અને કોંગ્રેસને આપશો તો અવળું થાશે.
આ મામલે મીડિયાએ જ્યારે રમેશ કટારાના સંપર્ક કર્યો ત્યારે તેઓ પોતાના નિવેદન અંગે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. રમેશ કટારાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “ચૂંટણી સમયે કોંગ્રેસવાળા બધાને ફસાવવા મોબાઇલ પર સેટિંગ કરતા હોય છે. ચૂંટણીમાં કેમેરા ન લગાડવાના હોય. લોકો જેમને મત આપવાના છે એમને આપશે જ. વાત યાદીની રહી તો કોને કેટલા મત મળ્યા તે યાદી બહાર પડતી હોય છે.” અમુક સંવેદનશીલ બૂથો પર તોફાનો અને મારપીટ થતી હોય છે. આવા બૂથો પર મીડિયાવાળા કેમેરા સાથે હોય છે. કેમેરાવાળી વાતનો મારો કહેવાનો મતલબ આવો હતો.” આ મામલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા કિરીટ પટેલે જણાવ્યું કે, ધારાસભ્યએ જો આવું નિવેદન આપ્યું હોય તો આ સમગ્ર ઘટનાની તપાસ થવી જોઈએ. આ આચારસંહિતાનો ભંગ છે.