(એજન્સી) નવી દિલ્હી, તા.ર૩
દિલ્હી યુનિ.એ હવે વડાપ્રધાન મોદીના ડિગ્રી કેસમાં દરમિયાનગીરી કરનાર આરટીઆઈ ચળવળકારીઓ ઉપર અંગત હુમલાઓ કર્યા છે. દિલ્હી યુનિ. વતી સોગંદનામું દાખલ કરનાર રજિસ્ટ્રાર ટી.કે.દાસે ગયા મહિને દરમિયાનગીરી કરનાર ઉપર અંગત હુમલો કર્યો છે. એમની તરફે રજૂઆત કરનાર વધારાના વકીલ તુષાર મહેતાએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ રજૂઆતો કરી જણાવ્યું કે ત્રણેય આરટીઆઈ ચળવળકારીઓ અંજલિ ભારદ્વાજ, નિખિલ ડે અને અમૃતા જોહરીને આ કેસ સાથે કંઈ લેવાદેવા નથી. આ ફકત ગૌસિફ ફેલાવનારાઓ બીજાના કામમાં જરૂર વિના હસ્તક્ષેપ કરનારાઓ છે જે ગેરમાન્ય તરીકે હસ્તક્ષેપ કરી રહ્યા છે. તુષાર મહેતાએ ત્રણેયની દરમિયાનગીરીનો જોરદાર વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે એમને દરમિયાનગીરી કરવાની પરવાનગી નહીં આપવામાં આવે. જ્યારે હાઈકોર્ટના જજ રાજીવ શકધરે કહ્યું કે એમણે ઉઠાવેલ કાયદાકીય મુદ્દાઓ બાબતે વિચારવામાં આવે અને ઓછામાં ઓછું એમને કોર્ટ મિત્ર તરીકે જોઈ એમની રજૂઆતો સાંભળવામાં આવે. એનો પણ મહેતા વિરોધ કરી જણાવ્યું કે, કોઈ પણ પ્રકારે એમને પરવાનગી આપવામાં નહીં આવે. જજે કહ્યું કે, શું અમને નોટિસની બજવણી કરાઈ છે એના જવાબમાં મહેતાએ કહ્યું કે સમગ્ર ર૪ પાનાની વિગતો નથી અપાઈ ફકત સાદી નોટિસ મોકલાવી છે જજે સંપૂર્ણ નોટિસ આપી આગામી સુનાવણી ર૩મી ઓગસ્ટે રાખી હતી. ગઈ વખતની સુનાવણીમાં પણ દિલ્હી યુનિ.એ ચળવળકારીઓ ઉપર અંગત હુમલાઓ કર્યા હતા. ચળવળકારીઓ ઉપર આક્ષેપો મૂકતા તુષાર મહેતાએ કહ્યું કે અરજીમાં કોઈ જાહેરહિત સમાવિષ્ઠ નથી. અરજદારો ફકત પ્રસિદ્ધિ મેળવવા અરજીમાં દરમિયાનગીરી કરવા ઈચ્છે છે.