(એજન્સી) નવી દિલ્હી, તા.૮
અઠવાડિયા પહેલાં જ મોદીએ કહેવાતા ગૌરક્ષકોને ચેતવણી આપી હોવા છતાં દક્ષિણ દિલ્હીમાં ભેંસોને વાહનો લઈ જતાં ૬ જેટલા પશુ વેપારીઓ પર ગૌરક્ષકોની ભીડ દ્વારા હુમલો કરાયો હતો જે હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા હતા. આ ઘટના શુક્રવારે રાત્રે હરિદાસનગર ખાતે બની હતી. પોલીસે આ બનાવની ઉંડી વિગતો આપી નથી પરંતુ સૂત્રોનું કહેવું છે કે, જે પશુઓને લઈ જવાતા હતા તેમાં ગાયો હતી જે કતલખાને જતી હતી. આ પશુઓને પીકઅપ વાનમાં ઠાંસીને ભરી દેવાઈ હતી. ગૌરક્ષકોની ભીડ દ્વારા કરાયેલ હુમલામાં ઘાયલ અલીજાન નામના શખ્સને ગંભીર ઈજાઓ પહોંચી છે. ટોળાએ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. બીજા પશુ વેપારીઓને પણ હાથે-પગે પથ્થરમારાથી ઈજાઓ થઈ હતી. હુમલાખોરોની ઓળખ થઈ નથી. સૂત્રોનું કહેવું છે કે તેઓ જરોડા કલન ગામના રહેવાસી હોવા જોઈએ. પોલીસે બાના હરીદાસનગર પોલીસ મથકે કેસ નોંધ્યો છે. અગાઉ ઈદ પહેલાં એક મુસ્લિમ યુવકની દિલ્હીથી પરત થતાં ટ્રેનમાં હત્યા કરાઈ હતી. હુમલાખોરોએ તેને ગૌમાંસ ખાનારો ગણાવી હત્યા કરી હતી. દેશભરમાં ગૌહત્યાના નામે મુસ્લિમો સહિત ઘણા લોકોની ધંધાદારી પશુ સંરક્ષકો દ્વારા હત્યા કરાઈ છે. ગાય હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાય છે. વડાપ્રધાન મોદીએ ઘણા સમય પછી ચૂપકીદી તોડી કહેવાતા ગૌરક્ષકોની આકરી આલોચના કરી હતી અને કાયદો હાથમાં ન લેતાં ચેતવણી આપી હતી પરંતુ સરકારે ગૌરક્ષકો સામે કોઈ પગલાં લીધા ન હતા. ગયા મહિને સરકારે ગાય-ભેંસની કતલ માટે નવા નિયમો બનાવ્યા હતા. જેના કારણે ગૌરક્ષકો વધુ તાવમાં આવી ગયા છે. જેઓ પશુઓના કાયદેસર વેપાર કરતાં જૂથને નિશાન બનાવી રહ્યા છે.