(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, અમરેલી, તા.ર૭
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે ગુજરાત પધારેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ભૂજથી પ્રચારનો પ્રારંભ કર્યા બાદ જસદણ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસ પર પાટીદારોનું અપમાન કર્યાનો આક્ષેપ કરી પાટીદારોની સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે કોંગ્રેસે ચાર ચાર પાટીદાર મુખ્યમંત્રીઓની સરકારને તોડવાના ષડયંત્રો રચ્યા હતા. ગુજરાતને બદનામ કરવું એ કોંગ્રેસનો ઈતિહાસ છે. પરંતુ હું એવું નહીં કરૂં હું ચા વેચીશ પરંતુ દેશને નહીં વેચુ તેવો દાવો કર્યો હતો. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસને ગુજરાત ગમતું નથી. આથી કોંગ્રેસે ગુજરાતના ચાર-ચાર મુખ્યમંત્રીઓને હેરાન-પરેશાન કરી સારી રીતે શાસન કરવા દીધું નહોતું. તેમણે દાખલો આપતા કહ્યું હતું કે ચીમનભાઈ પટેલની સરકાર હોય, બાબુભાઈ જશભાઈ પટેલની સરકાર હોય, કેશુભાઈ પટેલની સરકાર હોય કે પછી આનંદીબેન પટેલની સરકાર હોય કોંગ્રેસ વિવિષ ષડયંત્રો રચી આ સરકારોને ચાલવા નથી દીધી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે ગુજરાતને બદનામ કરવાનું કામ કર્યું છે. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દરેક સમસ્યાનું સમાધાન વિકાસમાં છે. વિકાસ એ નિરંતર ચાલવો જોઈએ, અટકવો જોઈએ નહીં. કોંગ્રેસ જાતિવાદનું ઝેર ફેલાવી રહ્યું છે. ભાજપને વિકાસમાં રસ છે. તેમણે ઉમેર્યું હતું કે ભાજપના શાસનમાં દરેક ખેતર સુધી વીજળી અને પાણી મળ્યા છે. હાઈવે અને નવા એરપોર્ટ પણ મળ્યા છે. નરેન્દ્ર મોદીએ જીએસટી મુદ્દે જણાવ્યું હતું કે સરકાર જીએસટીમાં સુધારો લાવવા માટે પ્રયત્નો કરી રહી છે અને વેપારીઓના હિતમાં નિર્ણય લેવામાં આવશે. ગુજરાત અગાઉ ઉભા પાક સળગાવી દેવામાં આવતા હતા અને કોઈ સલામતી ન હતી ત્યારે ભાજપે ખેડૂતોના હિતમાં સલામતી ઊભી કરીને અસામાજિક તત્ત્વોને નીચે બેસાડી દીધા છે. હું તમારા સુખ-દુઃખમાં સાથી તરીકે રહીશ. ધરતી મારી માં છે, હું તેનું ઋણ ચૂકવવા માટે રાત-દિવસ એક કરીશ. મોરારજી દેસાઈને કોંગ્રેસે ડુંગળી-બટેટાની જેમ કાઢી મૂક્યા હતા.
અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા ઉપર ભાજપનો વિજય અને કોંગ્રેસનો સફાયો કરવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રચાર પ્રસારના પ્રથમ દિવસે ધારીના ચલાલા ગામે જંગી જાહેર સભાને સંબોધન કરતા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને સોનિયા ગાંધી ઉપર પ્રહારો કરી જણાવ્યું હતું કે સામાન્ય માણસને ૫૦ વર્ષમાં જે મળ્યું નથી તે અમે અપાવીશું તેમ કહી મતદારોને ફરી વાર લોલીપોપ આપી હતી. વધુમાં તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે સાગર માલા પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયા ખર્ચીને ઘડવામાં આવ્યો છે તેના થકી ભારતના દરિયાઈ વિસ્તારનો વિકાસ થશે અમરેલી જિલ્લો પણ દરિયાઈ વસ્તી ધરાવતો હોઈ તેનો વિકાસ થશે અને લાખો કરોડો લોકોને ફાયદો થશે.
તેમજ પોતાની વિકાસ ગાથાને ગુણગાન ગાતા કોંગ્રસને ટાંકીને જણાવ્યું કે વિકાસ માટે ભૂખ હોવી જોઈએ. વિકાસની ભૂખ સતત જાગતી રહેવી જોઈએ અને વિકાસ માટેના પ્રયત્નો સતત જાગતા રાખવા જોઈએ તો જ હિન્દુસ્તાન આગળ વધશે ૭૦ વર્ષ સુધી તમે કારોબાર ચલાવ્યો તેમ કહી સોનિયા ગાંધી અને મનમોહનસિંહ ઉપર પ્રહારો કર્યા હતા. અને ઉમેર્યું હતું કે કોંગ્રેસ નોટબંધીના ૧૨ મહિના થઇ ગયા તેમ છતાં વિરોધ કરી રહ્યો છે નોટબંધીથી કોંગ્રેસના કમાઉ દીકરા ગયા એટલે હવે રડે છે.