(એજન્સી) તા.ર૧
વડાપ્રધાન મોદીએ રવિવારે આશા વ્યક્ત કરી હતી કે તેમની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મંત્રણા ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને વિશિષ્ટ વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરશે. રશિયાની મુલાકાત દરમ્યાન સાંજે વડાપ્રધાને કરેલા શ્રેણીબદ્ધ ટ્‌વીટમાં તેમણે કહ્યું હતું કે રશિયાના મૈત્રીપૂર્ણ લોકોને શુભેચ્છા. હું આવતી કાલે સોચીની મુલાકાત લઈ રાષ્ટ્રપતિ પુતિન સાથે બેઠક કરીશ. તેમને મળવું હંમેશાની જેમ આનંદની વાત છે. રશિયાના સોચી શહેરમાં યોજાયેલી આ અનૌપચારિક શિખર મંત્રણામાં બંને નેતાઓએ ઈરાન સાથેની ન્યુક્લિયર સમજૂતીમાંથી અમેરિકાના ખસી જવાના નિર્ણય સહિત વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે બંને નેતાઓએ ૪થી ૬ કલાક બેઠક કરી હતી. આ એક એજન્ડા વગરની બેઠક હતી જેમાં દ્વિપક્ષીય મુદ્દાઓ મર્યાદિત મંત્રણા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે જે મુદ્દાઓ મંત્રણામાં આવરી લેવામાં આવ્યા હતા. તેમાં ઈરાન સાથેની ન્યુક્લિયર સમજૂતીમાંથી અમેરિકાના ખસી જવાથી ભારત અને રશિયા પર પડતી આર્થિક અસરો, અફઘાનિસ્તાન અને સીરિયાની પરિસ્થિતિ આતંકવાદ અને શાંઘાઈ કો-ઓપેરશન ઓર્ગેનાઈઝેશન તેમજ બ્રિક્સ દેશોની આગામી શિખર પરિષદ વિશે મંત્રણા કરી હતી.