‘મન કી બાત’ એટલે ‘મોદી કી બાત’

 

મુંબઈ, તા. ૨૭

ભ્રષ્ટાચારને દેશવટો આપવા માટે પ્રજાએ રોકડ-રહિત વ્યવહારો કરવા જોઈએ, એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું તે પછી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમના પર સરકારી તંત્રના દુરુપયોગનો આક્ષેપ કર્યો છે. નોટબંધી મુદ્દે સરકાર સામે પોતાનો વિરોધ વધારે તીવ્ર કરતાં બેનરજીએ મોદી પર નિશાન સાધીને જણાવ્યું છે કે, મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતને મોદી કી બાતમાં ફેરવી નાખ્યો છે. તેમણે કહ્યું કે, સરકારી તંત્રનો દુરુપયોગ કરીને મન કી બાત કાર્યક્રમ હવે મોદી કી બાત બની ગયો છે. કરોડો સામાન્ય નાગરિકોને પડી રહેલી મુસીબતોનો કોઈ ઉકેલ શોધવાને બદલે વડાપ્રધાન મોદી પોતાનાં અંગત વેર વાળી રહ્યા છે, અંગત પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે અને અંગત કામકાજ કરી રહ્યા છે. તેમણે વડાપ્રધાનને સીધું સંબોધન કરતાં કહ્યું કે, મોદીજી, તમે તો ભારતના અર્થતંત્ર અને વૃદ્ધિને ખતમ કરી નાખ્યાં. અમને તમારા પર કે તમારી ખોટી ટૅક્‌નોલોજી પર જરાય વિશ્વાસ નથી. અમે ટૅક્‌નોલોજી અને વિકાસ અવશ્ય ચાહીએ છીએ, પરંતુ તેમાં સમાજનો કોઈ વર્ગ રહી ન જાય તથા આ નોટબંધીમાં થયું તેમ કોઈને ટૉર્ચર ન કરાય, એમ બેનરજીએ એક નિવેદનમાં કહ્યું.