(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
નવી ઊર્જા અને સંગઠિત વિપક્ષના નવા ચહેરા સામે ભાજપ અને તેના સાથી પક્ષોએ સોમવારે ૧૦ રાજ્યોમાં ચાર લોકસભા અને ૧૦ વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીઓમાં ભારે હારનો સામનો કરવો પડ્યો છે. સૌથી વધુ ધ્યાનાકર્ષિત ઉત્તરપ્રદેશની લોકસભા બેઠક કૈરાનામાંથી રાષ્ટ્રીય લોકદલના તબસ્સુમ હસને ભારે બહુમતીથી વિજય મેળવ્યો હતો જેમને સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીનું સમર્થન હતું. ભાજપ આ ૧૪ બેઠકોમાંથી મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક અને ઉત્તરાખંડની એક વિધાનસભા બેઠક જ બચાવી શકી છે. ઉપરાંત ભાજપે બે લોકસભા અને એક વિધાનસભા બેઠક ગુમાવી છે. બીજી તરફ ભાજપના સાથી પક્ષો નીતિશ કુમાર અને શિરોમણી અકાલી દળે બિહાર અને પંજાબમાં વિપક્ષ સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે. ભાજપના સાથી પક્ષ એનડીપીપીએ નાગાલેન્ડની એક બેઠક પર સરસાઇ જાળવી રાખી હતી.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, વિપક્ષે ખેડૂતો, તરછોડાયેલાઓ, ગરીબો અને દલિતો માટે કૈરાના અને નૂરપુરની બેઠકો જીતી છે. તેમણે આ ઉપરાંત તમામ વિપક્ષનો સાથ આવવા માટે તથા પેટાચૂંટણીમાં જીત નક્કી કરવા માટે આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, ખેડૂતોને કહેવાયું હતું કે, તેમની લોન માફ કરી દેવામાં આવશે. જ્યારે મતદારોએ નક્કી કરી લીધું હતું કે, ભાજપને પાઠ ભણાવવા માટે શું કરવું જોઇએ. આ સાથે જ હું તમામ રાજકીય નેતાઓનો સાથે આવવા અને જીત નક્કી કરવા માટે આભાર વ્યક્ત કરી રહ્યો છું.
૨. ૨૦૧૪માં ભાજપે જીતેલી કૈરાના લોકસભા બેઠક ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં વિપક્ષની વિશાળ એકતા માટે અગ્નિપરીક્ષા તરીકે જોવાઇ રહી હતી. અજીતસિંહના રાષ્ટ્રીય દળના ઉમેદવાર તબસ્સુમ બેગમ હસનને કોંગ્રેસ,સમાજવાદી પાર્ટી અને દલિત પાવર હાઉસ માયાવતીના બહુજન સમાજ પાર્ટીનો ટેકો હતો.
૩. બિહારમાં લાલુના રાષ્ટ્રીય જનતા દળે સત્તાધારી જનતા દળ યુનાઇટેડ પાસેથી જોકીહાટ વિધાનસભા બેઠક આંચકી લીધી હતી. નીતિશકુમારના ઉમેદવારના આરજેડીના ઉમેદવારે ૪૧,૦૦૦ મતોથી હરાવતા રાજદના નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે, કોંગ્રેસ, અખિલેશ યાદવ અને માયાવતીના એક થવાથી અમારી પાર્ટીને બિહારમાં મદદ મળી છે.
૪. કોંગ્રેસે મેઘાલયની અંપાતી બેઠક જીતી લીધી હતી જે આ રાજ્યમાં સૌથી મોટો પક્ષ હોવા છતાં સરકાર બનાવી શકી નહોતી જ્યારે તે હવે ફરી એકવાર પોતાની સરકાર બનાવવા માટે દાવો કરી શકે છે.
૫. ભાજપે ઉત્તરાખંડની થરાલી બેઠક જાળવી રાખવામાં સફળતા મેળવી છે જેના કારણે હવે ૭૦ સભ્યોની વિધાનસભામાં તેનું સંખ્યાબળ ૫૭ થઇ ગયું છે.
૬. કેરળમાં સીપીએમ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી જેમાં ડાબેરી પક્ષે પોતાની બેઠક બચાવવામાં સફળતા મેળવી છે. બે વર્ષ પહેલા સીપીએમે ચેંગન્નૂર બેઠક જીતી હતી.
૭. કોંગ્રેસે પંજાબમાં ભાજપના ગઠબંધન સાથી શિરોમણી અકાલી દળ પાસેથી શાહકોટની બેઠ જીતી લીધી હતી જ્યારે ઝારખંડના સ્થાનિક ઝારખંડ મુક્તિ મોરચા પક્ષે સિલ્લી અને ગોમિયા બેઠક જાળવી રાખી હતી.
૮. કોંગ્રેસે કર્ણાટકમાં તાજેતરમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીઓમાં જીતેલી રાજરાજેશ્વરી નગરની બેઠક પર કબજો જાળવી રાખ્યો હતો જ્યાં વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન મોટા પ્રમાણમાં બેંગ્લુરૂના એક ફ્લેટમાં મતદાર ઓળખ કાર્ડ મળી આવ્યા હતા. આ વિસ્તારમાં પાર્ટીએ જેડીએસ સાથે ગઠબંધન કર્યું હતું.
૯. બંગાળના મહેશતલામાં તૃણમુલ કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હતી. જોકે, પેટા ચૂંટણીઓમાં મતભાગીદારી ઓછી થઇ હતી જેનો ફાયદો ભાજપને મળ્યો હતો અને તે આ વિધાનસભા બેઠક પર બીજા નંબરનો પક્ષ બની ગયો હતો. જેથી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપને આ બેઠકો પર ફાયદો મળી શકે છે.
૧૦. બિહારની જોકીહાટ બેઠક મુખ્યમંત્રી નીતિશકુમાર માટે પ્રતિષ્ઠાનો વિષય હતી જ્યાં ગયા વર્ષે નીતિશકુમારે ભાજપ સાથે ગઠબંધન કર્યા બાદ જદયુના ધારાસભ્ય પાર્ટી છોડીને આરજેડીમાં સામેલ થઇ ગયા હતા.