(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
કોંગ્રેસે નોટબંધી માટે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, આરબીઆઇના રિપોર્ટે ફરી સાબિત કર્યું છે કે, નોટબંધી એ ‘ભયાનક હોનારત’ હતી અને પુછ્યું હતું કે, શું આ મુદ્દે જુઠ્ઠું બોલવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માફી માગશે ખરા. આરબીઆઇના રિપોર્ટે ફરી સાબિત કર્યું છે કે, નોટબંધી મોદી-સર્જિત ભયાનક આફત હતી, રદ કરાયેલી ૯૯.૩ ટકા નોટો પરત ફરી. રણદીપ સૂરજેવાલાએ ટિ્‌વટમાં કહ્યું કે, મોદીએ ૨૦૧૭ના સ્વતંત્રતા દિવસના ભાષણમાં દાવો કર્યો હતો કે, ત્રણ લાખ કરોડ રૂપિયાનું કાળુ નાણું બેંકિંગ સિસ્ટમમાં પરત ફરશે. મોદીજી શું આ જુઠ્ઠાણા બદલ તમે માફી માગશો ? કોંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું કે, આરબીઆઇએ પોતાનો ૨૦૧૭-૧૮નો રિપોર્ટ બહાર પાડ્યો છે અને નોટબંધી પર વિકટ ચિત્ર રજૂ કર્યું છે. તેમણે પુછ્યું કે આ તુઘલકી ફરમાનથી આખરે શું મળ્યું. તેણે એમએસએમઇ સેક્ટરને બરબાદ કરી નાખ્યું, નાના ઉદ્યોગોને ખતમ કરી નાખ્યા અને કરોડો રોજમદારોએ પોતાના રોજગાર ગુમાવ્યા. ભારતીય અર્થતંત્રમાં જીડીપીવિકાસ દરમાં ૧.૫ ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો. તિવારીએ ટિ્‌વટ કર્યું કે, નોટબંધીથી ફક્ત ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું કાળું નાણું પ્રાપ્ત થયું જેની ટકાવારી ફક્ત ૦.૭૦ ટકા છે. જોકે, નેપાળ તથા ભૂતાનને આપેલા નાણાની આમાં ગણતરી કરવામાં નથી આવી તો શું તેમને આપેલા નાણા કાળા હતા.