(એજન્સી) કાઠમંડુ, તા.૧૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળ મુલાકાત ટાણે નેપાળના લોકો ખાસ કરીને સોશિયલ મીડિયા વાપરનારાઓએ મોદીની ટીકા કરી હતી. એમણે ર૦૧પના વર્ષમાં ભારત દ્વારા કરાયેલી આર્થિક નાકાબંધી બદલ નારાજગી દર્શાવી મોદીને માફી માંગવા કહ્યું હતું. નેટિઝનોએ લખ્યું કે ર૦૧પના વર્ષમાં અમે ભૂંકપની અસરથી માંડ ઊભા થઈ રહ્યા હતા. એ સમયે તમારી સરકારે નેપાળ-ભારત સીમા ઉપર બ્લોકેડ કહી અમને હાલાકીમાં મૂકયું હતું. બે બદલ મોદીએ માફી માંગવી જોઈએ. આ બ્લોકેડ ૧૩પ દિવસ સુધી ચાલ્યું હતું. નેટિઝન શૈલેશે લખ્યું મોદીજી, અમે એ બ્લોકેડ ભૂલ્યા નથી. અમે તમારું સ્વાગત નથી કરતા પણ એનો અર્થ એ નથી કે અમે ભારત વિરોધી છીએ. અમે ભારતના લોકો સાથે જ છીએ પણ અમે ભારત સરકારનો વિરોધ કરીએ છીએ જેમણે ર૦૧પના વર્ષમાં બ્લોકેડ કર્યું હતું. એક નેટિઝને લખ્યું મોદીજી, તમારો નેપાળના રાજકારણીઓ સ્વાગત કરી રહ્યા છે પણ નેપાળના લોકો નહીં. અન્ય એક નેટિઝને નેપાળ સરકારની ટીકા કરતાં લખ્યું કે જે માર્ગોથી મોદી જવાના છે એ માર્ગોને તમોએ સારા એવા બનાવ્યા છે પણ અન્ય માર્ગો અને વિસ્તારોની અવગણના કરી છે આ દેખાડો શા માટે ?

ભારતનો ઈતિહાસ, શ્રદ્ધા અને ભગવાન રામ નેપાળ
વિના અપૂર્ણ : વડાપ્રધાન મોદી : ૧૦ મુદ્દાઓ

(એજન્સી) નેપાળ,જનકપુર, તા.૧૧
કર્ણાટકમાં સપ્તાહ સુધી ચૂંટણી પ્રચાર કર્યા પછી વડાપ્રધાન મોદીએ નેપાળની મુલાકાત લીધી છે. કાઠમંડુથી રરપ કિ.મી. દૂર આવેલ જનકપુરમાં મોદી અને નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીએ જનકપુરથી અયોધ્યા બસ સેવાનું ઉદ્દઘાટન કર્યું હતું જેનો ઉદ્દેશ્ય ભારત અને નેપાળ વચ્ચે ધાર્મિક પ્રવાસનને વેગ આપવાનો છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી નેપાળના વડાપ્રધાન અને અન્ય નેતાઓ સાથે બેઠકો કરશે. નેપાળમાં વડાપ્રધાન મોદી ત્રણ હિન્દુ તીર્થયાત્રા કેન્દ્રોની મુલાકાત લેશે. વડાપ્રધાન બન્યા પછી મોદીની નેપાળની આ ત્રીજી મુલાકાત છે.
મોદીની મુલાકાતના મુખ્ય ૧૦ મુદ્દાઓ
૧. વડાપ્રધાન મોદીએ પારંપારિક ગુલાબી પાઘડી પહેરી જનકપુર ખાતે લોકોને સંબોધન કરતાં કહ્યું. નેપાળ ભારતની પાડોશ નીતિમાં પ્રથમ ક્રમે છે.
ર. વડાપ્રધાન મોદી અને કે.પી.શર્મા ઓલીએ સંયુક્ત રીતે રામાયણ સર્કિટ બસ રૂટનું ઉદ્દઘાટન કર્યું હતું. જે જનકપુરથી અયોધ્યાનો છે. મોદીએ કહ્યું સદીઓથી જનકપુર અને અયોધ્યા વચ્ચેના સંબંધો અતૂટ છે.
૩. મોદીએ કહ્યું નેપાળ વિના ભારતનો વિશ્વાસ, ઈતિહાસ, યાત્રાધામો અને ભગવાન શ્રીરામ અપૂર્ણ છે.
૪. જ્યાં વડાપ્રધાન મોદી મુલાકાત લેવાના છે ત્યાં જનકપુર, કાઠમંડુ અને મુક્તિધામ બન્ને દેશોના ૧૧૦૦૦ સુરક્ષા કર્મીઓને ગોઠવી દેવાયા છે.
પ. ભારતે રામાયણ સર્કિટ હેઠળ દેશના ૧૧ સ્થળોની પસંદગી કરી છે જેમાં અયોધ્યા, નંદી ગ્રામ, હમ્પી અને નાગપુર પણ છે. એમને ધાર્મિક સ્થળો તરીકે વિકસાવવામાં આવશે.
૬. આ પછી વડાપ્રધાન મોદી અને કે.પી.શર્મા ઓલી કાઠમંડુમાં વાતચીત કરશે. મોદી નેપાળના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને મુખ્ય રાજનૈતિક પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરશે. કાઠમંડુમાં મોદી પશુપતિનાથ મંદિરમાં પ્રાર્થના કરશે.
૭. પૂર્વ નેપાળના સંખુવસાભા જિલ્લામાં વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા હાઈડ્રોઈટ્રીસિટી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે જે ભારત સરકારના સતલજ જલ વિદ્યુત નિગમના સહયોગથી બનશે.
૮. આવતીકાલે મોદી મુક્તિનાથ મંદિરમાં પ્રાર્થના કરશે ત્યાં મોદી વિકાસ માટેની એક આશ્ચર્યજનક ભેંટની જાહેરાત કરશે.
૯. મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, મને વિશ્વાસ છે. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે.
૧૦. નેપાળના વડાપ્રધાન એક મહિના પહેલાં ભારતની મુલાકાતે આવ્યા હતા. એ પછી મોદીની મુલાકાતનું આયોજન કરાયું છે.