(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.૬
વડાપ્રધાન મોદી ત્રણ દિવસની ઈઝરાયેલની મુલાકાત પૂર્ણ કરી જર્મની રવાના થઈ ગયા છે. આ ત્રણ દિવસની મુલાકાત બન્ને દેશો સમેત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. જે રીતે મોદી-નેતાન્યાહૂએ એકબીજા સાથે ગાઢ મિત્રતા દર્શાવી છે. એ જોઈ બધા અવાક થઈ ગયા છે પણ કેરળના મુખ્યમંત્રી વિજયને આ મિત્રતાની ગંભીર આલોચના કરી છે. એમણે ઈઝરાયેલને એક ત્રાસવાદી દેશ ગણાવ્યો છે. એમણે કહ્યું મોદી ત્રાસવાદ અટકાવવા એવા દેશ સાથે કરાર કરે છે જે પોતે ત્રાસવાદ ફેલાવે છે. પેલેસ્ટીનના લોકો ઉપર ગુજારાતો ત્રાસ દુનિયામાં કોઈથી છૂપ્યો નથી. આ મામલે યુનોની પણ ધરાર અવગણના કરનાર ઈઝરાયેલ સાથે ગાઢ મિત્રતા શું સૂચવે છે ? અમારા દેશની પ્રજા શરૂઆતથી પેલેસ્ટીન સાથે રહી છે અને આજે પણ આજે અમે પેલેસ્ટીનને સમર્થન આપીએ છીએ. દર અસલ સંઘ પરિવારની વિચારસરણી ઈઝરાયેલ પણ ધરાવે છે. એ માટે મોદીએ સંઘના દબાણ હેઠળ ઈઝરાયેલ સાથે ગાઢ મિત્રતા બતાવી છે. ઈઝરાયેલ પોતાના હથિયારો વેચીને ખૂબ નાણા કમાય છે અને એ નાણાંનો ઉપયોગ એ પેલેસ્ટીનના લોકો ઉપર અત્યાચાર ગુજારવામાં ખર્ચે છે. કહેવા પૂરતું મોદી કહી રહ્યા છે કે અમે ઈઝરાયેલ સાથે કૃષિ, પાણી અને અન્ય બાબતો માટે કરારો કરીએ છીએ પણ ખરી રીતે આ બધા ધરારો શસ્ત્રો માટે જ કરાયા છે. ઈઝરાયેલ જઈ મોદીએ પેલેસ્ટીનના વડા રામાદાયા સાથે મુલાકાત નહીં કરીને આડકતરી રીતે માનવ અધિકારોનો ભંગ કરનારને જ સમર્થન આપ્યું છે.