(એજન્સી) આગ્રા, તા.૧૯
ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટીને વિભાજનકારી ગણાવી છે. અખિલેશે કહ્યું કે, તેણે (ભાજપે) ચૂંટણી આવતા પહેલાં દેશને જાતિ અને ધર્મના નામે વહેંચવાનું શરૂ કરી દીધું છે, અને જો પરિસ્થિતિ વણસશે તો તેઓ તેના માટે વિપક્ષ પર દોષારોપણ કરશે. અખિલેશે મીડિયા કર્મીઓને જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંપૂર્ણપણે ભારતીય છે અને ભાજપ તેની વિભાજનકારી વિચારસરણી સાથે ભારતીય નથી. નરેન્દ્ર મોદી એક નેતા તરીકે નિષ્ફળ રહ્યા છે અને હવે દેશ એક નવા વડાપ્રધાનને ઈચ્છી રહ્યા છે.
તેમણે કહ્યું છે કે, તેમનો સમાજવાદી પક્ષ દેશને નવા વડાપ્રધાન પૂરા પાડવાના પડકારને ઝીલવા તૈયાર છે. ર૦૧૯ની ચૂંટણી બાદ ગઠબંધન નક્કી કરશે કે, દેશના વડાપ્રધાન કોણ બનશે. કૈરાના, ફુલપુર, ગોરખપુરની ચૂંટણીઓએ ભાજપ અને મોદી વિરૂદ્ધના લોકોના મૂડ દર્શાવતા ઉદાહરણો છે. આવનારા મહિનાઓમાં સપા-બસપાનું ગઠબંધન મજબૂત થશે.
આ વર્ષની શરૂઆતમાં, ભાજપને હરાવવાના ઈરાદાથી ત્રણ પેટાચૂંટણીઓમાં બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. સપા તો પહેલે થી કોંગ્રેસ સાથે જોડાયેલી છે અને હવે બસપા પણ આ ગઠબંધનમાં જોડાઈ હોવાથી ભાજપ હવે આ ગઠબંધનને તોડવાના દરેક પ્રયત્નો કરશે.