(એજન્સી) તા.ર૧
જેમ કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન લગભગ ૧૯ દિવસ સુધી પેટ્રોલના ભાવ ન વધ્યા તેને જોતાં હવે સમગ્ર દેશના લોકો સમજી ગયા જ હશે કે પેટ્રોલના ભાવ પણ જાણે કેન્દ્ર સરકાર જ નક્કી કરતી હશે. કેમ કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે પેટ્રોલના ભાવ સ્થિર કરી દેવામાં આવે છે કાં તો થોડીક રાહત આપતાં ઘટાડો કરીને રાહત આપવાનો પ્રયાસ કરાય છે અને જ્યાં ચૂંટણી પતે છે કે પછી તેમાં ધરખમ વધારો ઝીંકી દેવામાં આવે છે. દેશના સૌથી મોટા વિપક્ષ એવા કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારને આડેહાથ લેતાં તેમના પર સણસણતો આરોપ મૂક્યો છે. કોંગ્રેસે રવિવારે આક્ષેપ કરતાં કહ્યું કે વડાપ્રધાન મોદીની સરકાર પેટ્રોલની કીંમતોનો એક રાજકીય હથકંડા તરીકે ઉપયોગ કરે છે. કોંગ્રેસે માગણી કરી હતી કે જેવી કર્ણાટક ચૂંટણી પહેલા પેટ્રોલની કીંમતો હતી એવી જ રાખોને શા માટે તેમાં વધારો કરો છો ? કોંગ્રેસના પ્રવક્તા જયવીર શેરગીલે કહ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના ભાવ લગભગ પાંચ વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. અને જો કેન્દ્ર સરકાર કર્ણાટક ચૂંટણી દરમિયાન લાભ ખાટવા માટે પેટ્રોલના ભાવ નિયંત્રિત કરી શકે છે તો પછી કેમ નહીં સમગ્ર દેશના નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને પેટ્રોલના ભાવને નિયંત્રણમાં રાખે. ફક્ત ચૂંટણીઓ દરમિયાન જ કેમ લોકોને રાહત આપીને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે જો મોદી ફક્ત પોતાના સ્વાર્થને ધ્યાનમાં રાખીને કર્ણાટક ચૂંટણી દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરી શકે છે તો પછી તેઓ લોકોના સ્વાર્થની કેવી રીતે અવગણના કરી શકે છે ? તેનો અર્થ તો ફક્ત એમ જ થયો કે પેટ્રોલ-ડીઝલના ભાવને પણ હવે મોદીએ એક રાજકીય હથકંડો બનાવી દીધો છે. તેમણે કહ્યું કે મોદી સરકાર સમક્ષ મારી માગણી છે કે જો તમે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો ન કરી શકતા હોવ તો કોઇ વાંધો નહીં પરંતુ તમે એટલું તો કરો કે આ ભાવને નિયંત્રણમાં તો રાખો.