(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
આરબીઆઇએ ૫૦૦ અને ૧૦૦૦ની બંધ કરાયેલી નોટોના ચલણમાંથી ૯૯.૩૦ ટકા ચલણ પરત ફરી હોવાનું જણાવ્યા બાદ કોંગ્રેસે બુધવારે દેશ સમક્ષ જુઠ્ઠાણું ફેલાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માફી માગવા માગણી કરી છે. કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા વિપક્ષે કહ્યું કે, આઠમી નવેમ્બર ૨૦૧૬ના રોજ અચાનક એકીસાથે મોટાપ્રમાણમાં નોટ બંધ કરી દેવાના નિર્ણયથી ભારતને કોઇ લાભ થયો નથી. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે, નોટબંધી બાદ ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને ધંધાઓ ઠપ્પ થવાને કારણે બેંક નોકરીઓમાં વિનાશ નોતરાયો હતો. ભારતીય અર્થતંત્રે જીડીપી વિકાસના ૧.૫ ટકા નાણા ગુમાવ્યા જેની વાર્ષિક ખોટ દર વર્ષે ૨.૨૫ કરોડ રૂપિયા થવા જાય છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ૨૦૧૭ના સ્વતંત્રતા દિવસના ભાષણમાં દાવો કર્યો હતો કે, રૂપિયા ત્રણ લાખ કરોડથી વધુ કાળું નાણું સિસ્ટમમાં પરત ફરશે. મોદીજી શું તમે આ જુઠ્ઠાણા બદલ દેશની માફી માગશો ? આરબીઆઇના રિપોર્ટથી ફરી સાબિત થઇ ગયું કે, નોટબંધી ‘મોદી-સર્જિત હોનારત’નું પરિણામ છે. મોદી પર વ્યંગ કરતા તેમણે ઉમેર્યું કે, યાદ કરો કોણે કહ્યુ હતું કે ત્રણ લાખ કરોડ રૂપિયા પરત આવશે અને તે સરકારની સફળતા હશે. મને શંકા છે કે નેપાળ અને ભૂતાનને આપેલા ૧૩,૦૦૦ કરોડ રૂપિયા કાંતો ગુમ થઇ ગયા છે અથવા નાશ પામ્યા છે.