(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ‘ઉજ્જવલા ગેસ યોજના’ને ગરીબ મહિલાઓ માટે મફતમાં આપવામાં આવેલી પરિવર્તનકારી યોજના ગણાવી રહી છે. વડાપ્રધાન ખુદ ઘણાં પ્રસંગો પર જાહેર મંચ પરથી આ યોજનાની સફળતાના વખાણ કરી ચૂક્યા છે, પરંતુ હકીકત તેનાથી વિપરીત છે. પહેલી વાત તો એ કે આ સ્કીમ હેઠળ ગરીબ મહિલાઓને આપવામાં આવેલ ગેસ કનેક્શન (સિલિન્ડર અને ચૂલો) ના તો મફત છે અને ના તો સિલિન્ડર પર (માર્ચ ર૦૧૮ સુધી) સબસિડી મળી છે. કોઈપણ લાભાર્થીને ગેસ કનેક્શન લેતા જ કુલ ૧૭પ૦ રૂપિયા ચૂકવવા પડે છે. તેમાંના ૯૯૦ રૂપિયા ગેસના ચૂલા માટે જાય છે, જ્યારે ૭૬૦ રૂપિયાનો પહેલો સિલિન્ડર આવે છે. સરકાર તરફથી દાવો કરવામાં આવે છે કે, પ્રત્યેક ગેસ કનેક્શન એટલે કે પ્રત્યેક ગ્રાહકને ૧૬૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવી છે, જે ખોટું છે. હકીકતમાં સરકાર આ યોજના હેઠળ લેવામાં આવેલા કનેક્શનમાં પહેલા ૬ સિલિન્ડરના રિફિલિંગ પર મળનારી સબસિડી ખુદ જ રાખી લેતી હતી, જેથી ૧૬૦૦ રૂપિયાની આપવામાં આવેલી સબસિડી (એક પ્રકારનું દેવું) ચૂકતે કરી લેવામાં આવે. સરકાર માત્ર ૧પ૦ રૂપિયાનું રેગ્યુલેટર મફતમાં આપે છે. તેની અવેજીમાં પિત્તળના બર્નરવાળા ચૂલાની જગ્યાએ લોખંડના બર્નર લગાડેલો ચૂલો આપવામાં આવે છે. ગેસ પાઈપ પણ નાની આપવામાં આવે છે. ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને પહેલા ૬ સિલિન્ડર બજારના દરે ખરીદવાના હોય છે, જે ૭પ૦થી ૯૦૦ રૂપિયાનો આવે છે. સામાન્ય રીતે એક સિલિન્ડર પર સબસિડી ર૪૦થી ર૯૦ રૂપિયા મળે છે. આને જોતા સરકાર પહેલા ૬ સિલિન્ડરના રિફિલિંગ દરમિયાન લગભગ ૧૭૪૦ રૂપિયા પ્રત્યેક ગ્રાહકે વસૂલી લેતી હતી. કદાચ આ જ કારણ છે કે, મોટાભાગના ઉજ્જવલા યોજનાના ગ્રાહકો બીજીવાર સિલિન્ડર જ ભરાવતા નથી. લગભગ પ૦ ટકા ગ્રાહકો જ દર બે મહિને રિફિલિંગ કરાવે છે.