(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
રવિવારે કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, નરેન્દ્ર મોદી સરકારે વિકસતા અર્થતંત્રની પોતાની ટૂંકી બુદ્ધિની અને એકપક્ષીય આર્થિક નીતિઓથી દિશા બદલીને તેને ભયાનક કટોકટીમાં મૂક્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપસિંઘ સુરજેવાલાએ શ્રેણીબદ્ધ ટ્‌વીટ દ્વારા ભાજપ અને નાણામંત્રી અરૂણ જેટલી પણ હુમલો કર્યો હતો કે, “પ્રિય અરૂણ જેટલી, કોંગ્રેસ સરકારે (ર૦૦૪-ર૦૧૪)માં સ્વતંત્રતા બાદથી સૌથી વધુ આર્થિક દર વધારે ૮.૧૩ ટકા આપ્યો. મોદી સરકાર હેઠળ જીડીપી ર૦૧૭-૧૮માં માત્ર ૬.૭ ટકા છે. જે ચાર વર્ષનો સૌથી નીચો આંકડો છે. જેટલીજીને જાણ હોવી જોઈએ કે મોદી સરકારને એક ગતિમાન અર્થતંત્ર મળ્યું હતું. પરંતુ ભાજપની ટૂંકી બુદ્ધિની નીતિઓ અને જીએસટીનું ખોટું અમલીકરણ અને કરચોરીના કારણે તેમણે તક ગુમાવી. લોકો પાસે રોજગાર નથી, વિકાસ ધીમો પડી રહ્યો છે. નાણામંત્રીના ર૦૧૪માં એનડીએ સરકારની સત્તા બાદ અર્થતંત્રમાં નોંધનીય બદલાવના દાવા બાદ સુરજેવાલાએ આ ટ્‌વીટ કરી હતી. જેટલીએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે, સરકારની કામગીરી વધુ પારદર્શક બની છે. જેટલીએ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષમાં ભારતનું અર્થતંત્ર ઘણા દેશથી આગળ આવ્યું છે. પરંતુ જો આર્થિકવૃદ્ધિના સરકારી આંકડાનો હવાલો લઈએ તો ભાજપના આ તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે. સુરજેવાલાએ આરોપ મૂક્યો હતો કે, ભાજપ સરકારની નિષ્ફળતા દર્શાવતા આ અહેવાલને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.