(એજન્સી) અરરિયા, તા.૧૬
અરરિયા જિલ્લાના જોકીહાટમાં સુરક્ષા શરિયત વેલ્ફેર સોસાયટીના નેજા હેઠળ સુરક્ષા શરિયત સંમેલન યોજવામાં આવ્યો. આ સંમેલનમાં મુખ્ય મહેમાન મૌલાના અસરારૂલ હક કાસમીએ કેન્દ્ર સરકાર પર તીવ્ર પ્રહાર કરતા કહ્યું કે, સરકાર ત્રણ તલાક મુદ્દે શરિયતમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરી રહી છે જેનો સરકારને કોઈ અધિકાર નથી. મૌલાના કાસમીએ કહ્યું કે, ત્રણ તલાકના બહાને કેન્દ્ર સરકાર મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતા છીનવી લેવા માંગે છે. તેમણે જણાવ્યું કે, મુસ્લિમોની મુશ્કેલીઓ વધારવા સરકારે ત્રણ તલાક બિલ પસાર કર્યું છે, ઈન્શાઅલ્લાહ આ બિલ કાયદાનું રૂપ ધારણ કરી શકશે નહીં.મૌલાના કાસમીએ જણાવ્યું કે, ઈસ્લામ ધર્મનો મૂળ કુર્આનપાક છે કુર્આની આદેશોમાં બદલાવ અંગે મુસ્લિમો શાંતિથી બેસશે નહીં. તેમણે કહ્યું કે, આ પ્રકારના સંવેદનશીલ ધાર્મિક મુદ્દા પર સરકાર દ્વારા કાયદા બનાવવામાં આવી રહ્યા છે જે દેશ માટે સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બંધારણમાં વિશ્વાસ રાખવો અને તેના પ્રત્યે આદર રાખવો એમાં દેશની એકતાનું રહસ્ય છુપાયેલ છે. બંધારણના ઉલ્લંઘનથી દેશમાં અરાજકતા વધશે અને દેશ વિકાસને બદલે પતન તરફ વધશે.