નવી દિલ્હી, તા. ૨૧
ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, તે આતંકવાદી કેસના આરોપીઓ સામે નરમ વલણ દાખવી રહી છે. ઓવૈસીએ જણાવ્યું હતું કે, પુરોહિત જેવા આરોપીઓને કેટલાક લોકો સન્માનિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેમ ન થવું જોઇએ. ઓવૈસીએ જણાવ્યંુ કે, મોદી સરકાર જ્યારથી સત્તામાં આવી છે ત્યારથી હંમેશા હિંદુ આતંકવાદીઓની સંડોવણીવાળા કેસોમાં આ નીતિ જોવા મળી રહી છે. જામીન અને છૂટકારા વિરૂદ્ધ સરકાર ક્યારેય અપીલ કરતી નથી. શું આવા કેસોમાં સરકાર નરમ બની જાય છે ? ઓવૈસીએ જણાવ્યું હતું કે, આ કેસને ગેરમાર્ગે દોરવા માટે એનઆઇએના અધિકારીઓ દ્વારા દબાણ હોવાનું સરકારી વકીલ રોહિણી સાલિયાન પણ આરોપ મુકી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલા માલેગાંવમાં ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સાત લોકોના મોત થયા હતા. તપાસ એજન્સીએ તાજેતરમાં જ અભિનવ ભારતની સંડોવણી બ્લાસ્ટમાં જણાવી ચૂકી છે. ૨૫મી એપ્રિલે આ જ કેસમાં આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને બોમ્બે હાઇકોર્ટ દ્વારા જામીન આપી દેવાયા હતા જ્યારે પુરોહિતના જામીન રદ કરાયા હતા.