નવી દિલ્હી, તા. ૨૨
સંસદમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને ૨ય્ કેસને લઇ સતત હોબાળો ચાલી રહ્યો છે ત્યારે સરકાર આગામી સપ્તાહે ટ્રિપલ તલાક બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી અનંતકુમારે જણાવ્યંુ કે, આગામી સપ્તાહે લોકસભામાં આ બિલ રજૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ટ્રિપલ તલાક અંગેના નિર્ણય બાદ સરકારે આ મુદ્દે કાયદો બનાવવાનો નિર્ણય લીધો હતો જેમાં ત્રણ તલાક આપનારાને સજા આપવા તથા દંડની જોગવાઇ છે.
ઉલ્લેખનીય છે કે, સરકાર ‘ધ મુસ્લિમ વુમન્સ પ્રોટેક્શન ઓફ રાઇટ્‌સ ઇન મેરેજ એક્ટ’ નામથી ખરડો લાવી રહી છે. આ કાયદો ફક્ત વર્તમાન ટ્રિપલ તલાક અંગે જ લાગુ કરાશે. પીએમ નરેન્દ્ર મોદીએ ત્રણ તલાક અંગે કાયદો બનાવવા માટે મંત્રીમંડળની રચના કરી હતી જેમાં રાજનાથસિંહ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, રવિશંકર પ્રસાદ, પીપી ચૌધરી અને જિતેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. આ કાયદાનો હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી કાયદામંત્રીને પત્ર લખી વિરોધ કરી ચૂક્યા છે. તેમણે સરકારને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સલાહ લેવા માટે કહ્યું છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આ વલણનો વિરોધ કર્યો હતો. બોર્ડના મહાસચિવ મૌલાના વલી રહેમાનીએ કહ્યું હતું કે, મોદી સરકાર જે બિલ લાવી રહી છે તે મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણ માટે નહીં પરંતુ એક રીતે રાજકીય સ્ટેન્ડ છે. તેમનું કહેવું હતું કે, સુપ્રીમ કોર્ટના સાત જજોમાંથી પાંચ જજોએ કાયદો બનાવવાનો વિરોધ કર્યો હતો. આ રીતે આ નિર્ણય અલ્પમતમાં હતો. આમ મોદી સરકાર આ બિલ મુદ્દે રાજનીતિ કરવા માગે છે.