(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
પુલવામા આતંકવાદી હુમલા અંગે કેટલાક દિવસો સુધી રાજકીય સંયમ જાળવી રાખનારી કોંગ્રેસે મંગળવારે વડાપ્રધાન મોદી પર સીધો નિશાન સાધી આરોપ લગાવ્યો છે કે, સુરક્ષામાં મોટી ચૂક થઇ છે. પાર્ટીએ એમ પણ કહ્યું કે, હવે વડાપ્રધાન વાયદો કરે કે, તેઓ પાકિસ્તાન જઇને ‘ભેટશે’ નહીં અને પોતાના કહ્યા પ્રમાણે પગલાં ભરશે. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, કોંગ્રેસ એકદમ જવાબદાર પાર્ટી છે અને તે પુલવામાની ઘટના બાદ સંયમિત રહી છે. ૨૦૧૪ પહેલા નરેન્દ્ર મોદી નાની-નાની વાતો પર ભડકાઉ નિવેદનો આપી રહ્યા હતા અને તત્કાલિન વડાપ્રધાન પાસે રાજીનામું માગતા હતા.
સિંઘવીએ કહ્યું કે, અમે ઉરી, સંસદ હુમલા અને પુલવામા બાદ પણ આવા નિવેદનો આપ્યા નથી. પરંતુ મોટી સુરક્ષા ખામીઓને દૂર કરવી પડશે જેથી આવી ઘટનાઓ ફરી ના થાય. તેમણે ઉમેર્યું કે, કુલ ૭૮ વાહનોમાં ૨૫૦૦ જવાનોને લઇ જવાનો વિચાર હાસ્યાસ્પદ હતો. સુરક્ષા દળો પસાર થતા હતા ત્યારે સામાન્ય નાગરિકોના વાહનોને રોકાયા ન હતા. જૈશે મોહંમદ તરફથી આત્મઘાતી હુમલા કરવા અંગે ગુપ્તચર રિપોર્ટની અવગણના કેમ કરાઇ, શું ૫૬ ઇંચની છાતી દ્વારા આટલું જ ધ્યાન આપવામાં આવ્યું ? પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, પીએમ તમે કહો છો કે, વાતચીત કરવાનો સમય વીતી ગયો છે, કદાચ તમે સાચા છો, પરંતુ હવે કહ્યા મુજબ કરવાનો સમય છે. તેમણે ૨૦૧૫માં વડાપ્રધાનના પાકિસ્તાન પ્રવાસનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તમે અમને વાયદો કરો, હવે કોઇ ‘ઝપ્પી’ નહીં કરો, હવે કોઇ જન્મદિવસની ઉજવણી નહીં થાય. ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પાર્ટી કેટલાક દિવસો સુધી રાજકીય ચર્ચા નહીં કરે અને તે પોતાના જવાનો તથા સરકાર સાથે ઉભી છે. ગત ૧૪મી ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જેટલા જવાન શહીદ થયા હતા.