(એજન્સી) તા.ર૦
દેશની આર્થિક સ્થિતિ બદથી બદતર થતી જઈ રહી છે. અનેક સેક્ટર મદીની માર સહન કરી રહ્યા છે. ઓટો, રિયલ એસ્ટેટ પછી મંદીની માર સ્પિનિંગ ઉદ્યોગ સુધી પહોંચી ગઈ છે. આ ઉદ્યોગ અત્યાર સુધીના સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. દેશની લગભગ એક તૃત્યાંશ સ્પિનિંગ મિલો બંધ થઈ ચૂકી છે. થોડી ઘણી જે ચાલી રહી છે તે ભારે નુકસાનનો સામનો કરી રહી છે. સ્થિતિ એ છે કે હવે હજારો લોકોની નોકરીઓ પર જોખમનું વાદળ ઘેરાવા લાગ્યું છે.
નોર્દર્ન ઈન્ડિયા ટેક્સટાઈલ મિલ્સ એસોસિએશન મુજબ રાજ્ય અને કેન્દ્રીય જીએસટી અને અન્ય કરોના કારણે ભારતીય યાર્ન વૈશ્વિક બજારમાં હરિફાઈના લાયક રહ્યું નથી. એપ્રિલથી જૂનની ત્રિમાસીમાં કોટન યાર્નની નિકાસમાં દર વર્ષે ૩૪.૬ ટકાનો ઘટાડો થયો છે. જૂનમાં તો તેમાં પ૦ ટકા સુધીનો ઘટાડો થઈ ચૂક્યો છે.
જણાવી દઈએ કે ભારતીય ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે લગભગ ૧૦ કરોડ લોકોને રોજગાર મળે છે. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી ખેતી પછી સૌથી વધુ રોજગાર આપનારૂં સેક્ટર છે. આવામાં મોટા પાયા પર લોકોના બેરોજગાર થવાની આશંકા છે.
જો કે આ સેક્ટરની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને પૈસા ન મળતા ઊંચા વ્યાજદરે ઋણ લેવું પડે છે. કાચા માલની પડતર પણ ઘણી ઊંચી રહે છે. ત્યાં કપડા અને યાર્નના સસ્તા આયાતથી પણ આ સેક્ટર નષ્ટ થઈ રહ્યું છે. ભારતીય મિલોને ઊંચા કાચા માલના કારણે પ્રતિ કિલો ર૦થી રપ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. તે ઉપરાંત શ્રીલંકા, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા જેવા દેશોના સસ્તા કપડા આયાતની બેવડી માર પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે ર૦૧૪ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીએ દર વર્ષે કરોડો નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું પરંતુ સત્તામાં આવ્યા પછી ભાજપ સરકાર પોતાના વચન પર અમલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી. એટલું જ નહીં નોકરી પાછલા કેટલાક વર્ષથી દેશના લોકોની સૌથી મોટી ચિંતા બની છે. ત્યા દેશની ખરાબ આર્થિક સ્થિતિએ મોદી સરકારની મુશ્કેલીઓ વધુ વધારી દીધી છે.